________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૩૦
૬૩
ભાવાર્થ : જગતના દરેક પ્રાણીમાં જ્ઞાનની માત્રા હોય છે પણ તે જ્ઞાનની માત્રામાં તરતમતા છે, જ્ઞાનની લઘુત્તમ કે જઘન્ય માત્રાને અક્ષરનો અનંતમો ભાગ કહે છે, નિગોદના જીવમાં પણ નિત્ય હોય છે અને જ્ઞાનની ઉત્કૃષ્ટ કે મહત્તમ માત્રા તે સંપૂર્ણ જ્ઞાન જે કેવળજ્ઞાની ભગવંતોને હોય છે.
જેમ આરસીમાં આબેહુબ પ્રતિબિંબ પડે છે. તેમ આત્મામાં ત્રણે કાળના સર્વે પદાર્થો તથા સર્વે ભાવોનું પ્રતિબિંબ પડે છે તેથી જ તેને સર્વજ્ઞ કહેવાય છે.
મતિ, શ્રુત વગેરે ચારે જ્ઞાનો ગમે તેટલા શુદ્ધ હોય તો પણ તે આત્મશક્તિના અપૂર્ણ વિકાસ રૂપ છે. તેથી કોઈ એક વસ્તુના સમગ્ર ભાવોને જાણવામાં અસમર્થ હોય છે.
ટૂંકમાં ધર્માસ્તિકાય વગેરે સમસ્ત દ્રવ્યો, લોક-અલોક સ્વરૂપ સમસ્ત ક્ષેત્ર, ભૂતભાવિ અને વર્તમાન એમ અનાદિ અનંતરૂપે સર્વકાલ, અને સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયો કેવલજ્ઞાની મહાત્માઓ કેવલજ્ઞાનથી જાણે છે. તેથી કેવલજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો કહેવાય છે.
શંકા ઃ કેવળજ્ઞાની વર્તમાનમાં દેખાતા નથી. તો કેવળજ્ઞાની ભૂતકાળમાં હતા તેની શી ખાત્રી ?
સમાધાન ઃ એ જરૂરી નથી કે જે વસ્તુ આપણને દેખાય તે જ વસ્તુ આ જગતમાં હોય. જે વસ્તુનું આપ્ત પુરુષના શાસ્ત્રોમાં વર્ણન હોય, આપણને ન દેખાવા છતાં અનુમાન આદિથી સિદ્ધ થતી હોય, તે વસ્તુ આ જગતમાં હોય છે. આપ્ત પુરુષો સ્વયં સર્વજ્ઞ હોય છે. આપણને જે ભાવો ન દેખાય તેને પણ તેઓ પ્રત્યક્ષ જુએ છે અને જગતને તેનો ઉપદેશ આપે છે. આગમમાં સર્વજ્ઞનું વિસ્તારથી વર્ણન છે.
ચંદ્રનો પ્રકાશ બીજના દિવસે ઝાંખો હોય છે. તો પૂર્ણિમાના દિવસે પૂર્ણપણે પ્રગટે છે. તેમ આત્માનો જ્ઞાનધર્મ આજે ભલે આંશિક હોય તો પણ કાળાન્તરે સંપૂર્ણ પ્રગટી શકે છે. સર્વ કર્મોનો ક્ષય થયા પછી જે આત્મામાં જ્ઞાનધર્મ સંપૂર્ણપણે પ્રગટે છે. તે આત્માને કેવળજ્ઞાની અથવા સર્વજ્ઞ કહેવાય છે. કેવળજ્ઞાન થતાં જ સમગ્ર લોકાલોકના ત્રણેય કાળના ભાવો પ્રગટ દેખાય છે. આત્માની નિર્મળ જ્ઞાનશક્તિ જ એવી હોય છે કે જે કંઇ હોય-જે કંઇ હોઇ શકે તે સર્વેનું તેમાં પ્રત્યેક સમયે પ્રતિબિંબ પડ્યા વિના રહેતું નથી. જેમ અરીસામાં આબેહુબ પ્રતિબિંબ પડે છે. તેમ આત્મામાં ત્રણે કાળના સર્વપદાર્થો તથા સર્વ ભાવોનું પ્રતિબિંબ પડે છે. તેથી જ તે મહાત્માને કેવળી અથવા સર્વજ્ઞ કહેવાય છે.