________________
અધ્યાય : ૧, સૂત્ર-૨૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્રાર્થ : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો છે. અને થોડા એટલે કે કેટલાક પર્યાયો છે.
ભાવાર્થ સૂત્ર ૧-૨૭ થી ૧-૩૦ માં મતિ, શ્રત વગેરે પાંચ જ્ઞાનોથી કેટલું જાણી શકાય? એમ પાંચ જ્ઞાનનો વિષય ગ્રન્થકારશ્રી જણાવે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી કેવલી ભાષિત આગમોના આધારે સર્વદ્રવ્યો જાણી શકાય છે પરંતુ તેના સર્વ પર્યાયો જાણી શકાતા નથી. કારણ કે આ બંને જ્ઞાનો ક્ષયોપશમ ભાવનાં છે, અને ક્ષયોપશમ ભાવ તે તે કર્મના ઉદય યુક્ત હોવાથી કેટલુંક મતિ - શ્રુતજ્ઞાન અવરાયેલું પણ હોય જ છે. તેથી સર્વ પર્યાયો જાણી શકાતા નથી.
શંકા : વિશ્વમાં સૌથી વધુ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન કોને હોય?
સમાધાન : જગતમાં સૌથી વધારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ગણધર ભગવંત કે ચૌદપૂર્વીને જ હોય છે.
તીર્થંકર પરમાત્મા જગતના ત્રણે કાળના સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોને સાક્ષાત જુએ છે, જાણે છે પણ તે ભાવોના અનંતમા ભાગ જેટલા જ ભાવો શબ્દ દ્વારા બોલે છે. સર્વભાવો પ્રકાશતા નથી. જેટલા ભાવો જ્ઞાનથી છે તેનો અનંતમો ભાગ જ તીર્થકર પરમાત્મા ઉપદેશ દ્વારા બોલી શકે છે. કારણ કે આયુષ્ય પરિમિત છે, માટે તીર્થંકર પરમાત્મા જેટલું બોલી શકે છે તે ઉપદેશનો અનંતમો ભાગ જ ગણધર ભગવંતો દ્વાદશાંગીમાં ગૂંથી શકે છે. આમ દ્વાદશાંગીના અભ્યાસી એવા ચૌદ પૂર્વધર સર્વ દ્રવ્યના અનંતમા ભાગના પર્યાયો જાણી શકે છે. જે ભાવો કે પર્યાયો દ્વાદશાંગીમાં ગુંથાયા નથી તથા જે ભાવો માટે શબ્દો નથી તે અનંત ભાવોને જાણી શકાતા નથી. આથી મતિ શ્રુતજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો છે પણ સર્વ પર્યાયો નથી.
શંકાઃ મતિજ્ઞાન ઈન્દ્રિયો વડે ઉત્પન્ન થાય છે. ઈન્દ્રિયો તો માત્ર રૂપી દ્રવ્યોને જ ગ્રહણ કરે છે, તો મતિજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો શી રીતે હોઈ શકે?
સમાધાન : મતિજ્ઞાન જેમ ઈન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે તેમ મન દ્વારા પણ ઉત્પન્ન થાય છે. મન પૂર્વે અનુભવેલા વિષય ઉપરાંત શ્રુતજ્ઞાન વડે જાણેલા વિષયોનું પણ ચિંતન કરે છે. શ્રુત વડે અરૂપી દ્રવ્યોનો પણ બોધ થાય છે. આથી મન દ્વારા રૂપી-અરૂપી સર્વ દ્રવ્યો મતિજ્ઞાનનો વિષય બની શકે છે.