________________
૫૫
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૨૪ સૂત્ર (૧-૨૪) પ્રયોજન : મન:પર્યવજ્ઞાનના ભેદો જણાવે છે.
ऋजुविपुलमती मनःपर्यायः १-२४ ઋજુવિપુલમતી મન:પર્યાયઃ ૧-૨૪
ઋજુ-વિપુલમતી મન:પર્યાયઃ ૧-૨૪ શબ્દાર્થઃ ઋજુમતિ = સામાન્ય જ્ઞાન (વિષયને સામાન્યરૂપે જાણે), વિપુલમતિ = વિશેષ જ્ઞાન (વિષયને વિશેષપણે જાણે), મન:પર્યાય = મન:પર્યવજ્ઞાન (મનના પર્યાયને જાણે).
સૂત્રાર્થ : મન:પર્યવજ્ઞાનના ઋજુમતિ અને વિપુલમતિ એમ બે ભેદો છે.
ભાવાર્થ મન:પર્યવ એટલે મનના વિચારો. મનઃ પર્યાય અને મનઃ પર્યવ બંનેના એક જ અર્થ છે. મન:પર્યવજ્ઞાન વડે અઢીદ્વીપમાં રહેલા સંક્ષિપંચેન્દ્રિય જીવોના વિચારો જાણી શકાય છે. મન:પર્યવ જ્ઞાનથી મનના પર્યાયો - વિચારો જ પ્રત્યક્ષ દેખાય છે, વસ્તુ કે પદાર્થ પ્રત્યક્ષ દેખાતો નથી. જે વસ્તુ સંબંધી વિચારણા હોય તે વસ્તુ અનુમાનથી જણાય છે. ટૂંકમાં મન જ્યારે વિચાર કરે છે ત્યારે વિચારણીય વસ્તુ પ્રમાણે મનોવર્ગણાના પુદ્ગલોના જુદા જુદા આકારો ગોઠવાય છે.
મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે : (૧) ઋજુમતિ મન:પર્યવજ્ઞાન :
વિષયને સામાન્યરૂપે જાણે છે તે ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. જેમ કે, ઘડા વિષે કોઈ આત્મા ચિંતન કરતો હોય તો તેના મનના પર્યાયો જાણીને ઋજુમતિ મન:પર્યવજ્ઞાની ‘આ ઘડા વિષે વિચારે છે. એટલું કહી શકશે. તેથી વિશેષ કંઇ જાણી શકશે નહીં.
(૨) વિપુલમતિ મન:પર્યવજ્ઞાન :
વિષયને જે વિશેષરૂપે જાણે તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન જાણવું. ઋજુમતિ કરતાં આ જ્ઞાનની વ્યાપક-સ્પષ્ટતા વધારે છે. જેમ કે ઘડા વિષે કાંઇ ચિંતન કરતો હોય તો તેના મનના પર્યાયો જાણીને વિપુલમતિ મન:પર્યવજ્ઞાની એમ કહી શકશે કે, “આ ઘડા વિષે વિચારે છે, તે ઘડો મોટો છે અને લાલ રંગનો છે.”