________________
દસમા અધ્યાયનો સંક્ષિપ્ત સાર
જેનો પ્રારંભ મંગળમય તેનો અંત મંગળમય, સંસારમાં શુભ-અશુભના ચોઘડિયા
બદલાયા કરે છે. પરમાર્થમાં તો મંગળ જ મંગળ છે. આ ગ્રંથના પ્રથમ અધ્યાયમાં ગ્રંથકારે મોક્ષરૂપ મંગળથી પ્રથમ સૂત્રનો પ્રારંભ કર્યો છે. ત્યાં પૂર્ણચંદ્ર પ્રત્યે અંગુલિનિર્દેશ કરીને પછી દશમા અધ્યાયમાં તેનું પૂર્ણ દર્શન કરાવ્યું છે.
સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ :
સાધક જીવોને ગ્રંથકારશ્રી શું કહે છે ?
મોહનીયકર્મના જોરે તું, મોક્ષરૂપ તારી જાતને ભલે વિસ્તૃત કરે, પરંતુ તારી ભવ્યતાનો પરિપાક થતાં તેમજ અન્ય નિમિત્તો મળતાં તારા આત્મજાગરણ વડે તું મોક્ષના દરવાજે પહોંચી શકે છે.
બીજા અધ્યાયથી પાંચમા અધ્યાય સુધી સંસારયાત્રામાં જીવ શું જુએ છે, શું જાણે છે તે બતાવ્યું છે. જીવોના પ્રકારો, જન્મ, ગતિ, જાતિ વગેરે જણાવીને, સંસારમાં જીવ ક્યાં ભમ્યો, ત્યાં કેટલું રહ્યો, ત્યાં કેવા કેવા સુખદુઃખ ભોગવ્યા, પુનઃ પુનઃ ત્યાં શા માટે ઊપજવું થયું, કેવી ઈન્દ્રિયો અને શરીર ગ્રહણ કર્યાં, તે દર્શાવ્યું છે.
છઠ્ઠાથી આઠમા અધ્યાય સુધીમાં જ્ઞાનસ્વરૂપ એવો આત્મા જ્ઞાનની સૂક્ષ્મતાને ગ્રહણ કરી શુદ્ધ એવું આત્મતત્ત્વ પ્રગટ કરવાને બદલે અજ્ઞાનવશ પોતાના જ્ઞાનસ્વરૂપને આવરણ કરી દે છે અને જડ પુદ્ગલોમાં રોકાઈ જાય છે. નાશવંતનો ભરોસો કરે છે અને સચિદાનંદ સ્વરૂપ એવા સ્વયંને જ ભૂલી જાય છે, આશ્રવ અને બંધની જોડીની બેડીમાં બંધાઈ જાય છે, ત્યારે જીવ શુભયોગે ક્યારેક સોનાની બેડી પહેરે છે અને અશુભયોગે ક્યારેક લોખંડની બેડી પહેરે છે. બંને જંજીરોમાં જકડાયેલો, નિર્દોષ સુખથી વંચિત રહે છે. અજ્ઞાનવશ એવો તો તે જીવ ભુલભુલામણીમાં પડે છે કે, બેડી સોનાની હોવા છતાં પણ કર્મના ભારવાળી હોવાથી પુણ્યયોગ મળતાં ભૌતિક સુખને સુખ માની મુંઝાઈ જાય છે. કોઈ સંતજનોના યોગે પુણ્યયોગનો સદ્ઉપયોગ કરીને સન્માર્ગે વળે છે, ત્યાં તેને આત્મલક્ષ થતાં સોનાની બેડી અહિતકારી છે તેમ સમજાય છે ત્યારે સમ્યવિચારણા પ્રત્યે વળે છે. સમિતિ, ગુપ્તિ, ભાવનાઓ અને પરિષહજય દ્વારા સંયમને આરાધી, પરિણતિની શુદ્ધિ