________________
૩૭૮
અધ્યાય : ૧૦, સૂત્ર-૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્રાર્થ : મોહનીયકર્મનો ક્ષય થયા બાદ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયકર્મના ક્ષયથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ ? મુક્તિની પ્રાપ્તિ પહેલાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ જૈનશાસ્ત્રોમાં સ્વીકારાઇ છે. તેથી મોક્ષનું વર્ણન કરતાં પહેલાં કેવલજ્ઞાનનો આવિર્ભાવ અવશ્ય સમજવો જરૂરી છે. સૂર્યના પ્રકાશક સ્વભાવની જેમ કેવલજ્ઞાન એ આત્માનો ગુણ કહેવાય છે. સૂર્યનો પ્રકાશક સ્વભાવ હોવા છતાં મેઘ-ઘટા તેને આચ્છાદન કરનાર હોવાથી તે પ્રતિબંધક મનાઇ છે. તેમ કેવળજ્ઞાન આત્માનો ગુણ હોવા છતાં, કેવળજ્ઞાનાવરણીયકર્મ તેનું આચ્છાદન કરનાર હોવાથી પ્રતિબંધક કર્મ કહેવાય છે. તેથી પ્રતિબંધક કર્મોનો નાશ કરવાથી આત્મામાં રહેલી સહજ ચેતનારૂપ જે કેવળજ્ઞાન નામનો ગુણ છે. તેનો આવિર્ભાવ થાય છે.
- કેવળજ્ઞાનની જેમ કેવળદર્શન નામના ગુણનો પ્રતિબંધ કરનાર કર્મ દર્શનાવરણીય અને અનંતવીર્યનો પ્રતિબંધ કરનાર કર્મ અત્તરાયકર્મ છે. આમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય ત્રણે કર્મોનો નાશ બારમાં ગુણ સ્થાનકે સાથે થાય છે. પરંતુ આ ત્રણ કર્મોનો નાશ, મોહનીયકર્મના નાશ પછી જ થાય છે. મોહનીયકર્મની અતિશય પ્રબળતાના કારણે તેના નાશ વિના બાકીના ત્રણ કર્મોનો નાશ સંભવિત નથી.
ક્ષપકશ્રેણીમાં આઠમા, નવમા અને દસમા ગુણસ્થાનકે મોહનીયકર્મનો ક્ષય થાય છે. દસમાં ગુણસ્થાનકના અંતે સંપૂર્ણપણે પ્રથમ મોહનીયનો ક્ષય થયા બાદ આત્મા બારમાં ક્ષીણમોલ ગુણસ્થાનકે જાય છે. પ્રબળતા ધરાવતું મોહનીયકર્મ ક્ષય થવાથી બાકીનાં ત્રણ કર્મોનો ક્ષય કરવા માટે આત્મામાં વિશિષ્ટ શક્તિ પ્રગટ થાય છે. તે શક્તિના બળે તે ત્રણ કર્મો ગમે તેટલી તીવ્ર સ્થિતિ-રસ ધરાવતા હોય તો પણ તે ત્રણ કર્મોનો આ આત્મા અંતર્મુહૂર્ત માત્રમાં અવશ્ય નાશ કરી જ શકે છે. મોહનીયકર્મનો ક્ષય થયા પછી માત્ર અંતર્મુહૂર્ત જેટલા સમયમાં બાકીના ત્રણ ઘાતકર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
શંકાઃ ચાર ઘાતકર્મોનો ક્ષય થયા પછી જ ક્વળજ્ઞાન થાય છે. તે વાત સાચી. પરંતુ મોહનીયકર્મને અલગ કેમ બતાવ્યું?
સમાધાનઃ અહીં મોહનીયકર્મ અલગ બતાવ્યું છે તેનું કારણ એ છે કે મોહ સૌથી વધુ બળવાન છે. તેનો નાશ થયા પછી જ અન્ય કર્મોનો નાશ શક્ય બને છે. ટૂંકમાં અહીં મોહનીયકર્મની પ્રધાનતા બતાવવી છે.