________________
- અધ્યાયઃ ૧૦ હું
નવમા અધ્યાયમાં સંવર અને નિર્જરા તત્ત્વ સમજાવ્યાં. આવતા કર્મોને રોકવા તે સંવર કહેવાય અને કર્મોનો આંશિક ક્ષય તે નિર્જરા કહેવાય છે. આ જીવ નવા કર્મો બાંધવાનાં અટકાવે અને પૂર્વબદ્ધ કર્મોનો અંશે અંશે ક્ષય કરે તો એક સમય એવો આવે કે જ્યારે આત્મામાંથી સર્વે કર્મો ક્ષય થઇ જાય. સર્વ કર્મોનો સંપૂર્ણપણે ક્ષય થવો તે મુક્તિ કે મોક્ષ કહેવાય છે. આમ સંવર અને નિર્જરા એ મુક્તિનાં કારણ છે અને મોક્ષ એ કાર્ય છે. ગ્રંથકારશ્રી દસમા અધ્યાયમાં મોક્ષ તત્ત્વ સમજાવે છે.
અંશે અંશે સંવર અને નિર્જરા સાધતો સાધતો આ આત્મા, મુક્તિકાળ નજીક આવે ત્યારે મોહનીય વગેરે કર્મોનો ક્ષય કરવા માટે “ક્ષપકશ્રેણી” માંડે છે. આઠ-નવ અને દસમા ગુણસ્થાનકે મોહનીયકર્મોનો સૌથી પ્રથમ નાશ કરે છે. મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય કર્યા પછી તે મહાત્મા ક્ષીણમોહ નામના બારમા ગુણઠાણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મોનો નાશ કરે છે.અંતિમ સમયે આ ત્રણ કર્મોનો સર્વથા નાશ કરીને વ્યવહારનયથી તેરમા ગુણઠાણાના પ્રથમ સમયે અને નિશ્ચયનયથી બારમાના અંતિમ સમયે જીવ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. જે કેવલજ્ઞાન મુક્તિ પ્રાપ્તિનું અસાધારણ કારણ છે. આ હકીકત ગ્રંથકારશ્રી હવે જણાવે છે.
સૂત્ર (૧૦-૧) પ્રયોજનઃ ચાર ઘાતી કર્મોના ક્ષયથી આત્મામાં કયો ગુણ પ્રગટ થાય છે. તે જણાવે છે. मोहक्षयाद् ज्ञान-दर्शनावरणान्तरायक्षयाच्च केवलम् १०-१ મોહક્ષયાત્ જ્ઞાન-દર્શનાવરણાન્તરાયણયાચ્ચ કેવલમ્ ૧૦-૧ મોહક્ષયાદ્ જ્ઞાન-દર્શનાવરણ-અન્તરાય-ક્ષયાત્ ચ કેવલમ્ ૧૦-૧
શબ્દાર્થ : મોહ = મોહનીયકર્મ, જ્ઞાન આવરણ = જ્ઞાનાવરણીયકર્મ, દર્શન આવરણ = દર્શનાવરણીય કર્મ, અન્તરાય = અંતરાય કર્મ, ક્ષયાત્ = ક્ષય થવાથી, કેવલમ્ = કેવળજ્ઞાન.