________________
૩૬૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ જેટલો પરભાવ તેટલો સંસાર અને જેટલો સ્વભાવ તેટલો સંવર. જેટલો રાગસરાગ તેટલો સંસાર અને જેટલો વીતરાગભાવ તેટલો સંવર. સમ્યગ્દર્શન-જ્ઞાનની હાજરીમાં સંવર છે, અને મિથ્યાદર્શન-જ્ઞાનની હાજરીમાં સંસાર છે. સમ્યગ્દષ્ટિ જીવોને
જ્યાં સુધી ભય છે, દેહાદિ સંબંધ છે, ત્યાં સુધી કર્મબંધ છે. પરંતુ તે રાગ ભાવથી છે. જે વડે રાગ થાય તે વડે મુક્તિ ન થાય અને જેનાથી વીતરાગ ભાવ પ્રગટે તેનાથી સંસાર ન વધે.
યોગોની મુક્તિ કે સમ્યગુ પ્રકારે પ્રવૃત્તિરૂપ સમિતિ એ બાહ્ય ઉપાય છે, પરંતુ તે સમયે જીવના પરિણામની શુદ્ધિ થવાથી તે કર્મોને આવતા રોકે છે. તે પ્રમાણે તપાદિ બાહ્ય ઉપાય છે, તેના નિમિત્તે થયેલા શુદ્ધ પરિણામ કર્મોનો નાશ કરે છે.
અધ્યાત્મજીવનનો વિકાસ ગુણસ્થાનકની શ્રેણીથી દર્શાવ્યો છે, તે વાસ્તવમાં આત્માના પરિણામોની ઉત્તરોત્તર શુદ્ધ અવસ્થા છે. નવમા અધ્યાયમાં દેશવ્રત અને મહાવ્રતનો સંવર-નિર્જરાની ઉપાસનામાં સમાવેશ કર્યો નથી. અર્થાતુ સંવર-નિર્જરા એ વ્રતો કરતાં થોડી વધુ વિકાસની ભૂમિકા છે. દેશવ્રત કે મહાવ્રતોના અભ્યાસ દ્વારા જીવ સંયમમાં આવે છે. સમિતિ-ગુપ્તિ એ જીવના પરિણામને વિશેષ નિર્મળ બનાવે છે. તપ દ્વારા જીવની બાહ્ય અને અંતરંગ શુદ્ધિ થાય છે. દેશવ્રત અને મહાવ્રત સાધકના ઉચ્ચ નિમિત્તો છતાં અપેક્ષાએ એ સાધનામાં પરલક્ષની મુખ્યતા અને સ્વલક્ષની ગૌણતા જણાય છે. અહિંસા પાળવામાં પરની દયાની વિશેષતા છે. જો કે રાગાદિ ભાવને ભાવ હિંસા ગણી છે. છતાં છકાય આદિ જીવોની રક્ષા મુખ્ય છે તેમ અન્ય વ્રતમાં પણ પરપદાર્થોના નિમિત્ત સાથે એ સાધના હોય છે. જેમકે બાહ્ય પરિગ્રહ એ પરપદાર્થો છે તેની મૂછ ઘટે તે પરિમાણ વ્રત છે. બ્રહ્મચર્યનું પાલન બાહ્યપણે સ્ત્રી-ભોગના ત્યાગ સાથે છે અને આંતરિકપણે આત્મભાવ રમણતા છે.
જો કે સમિતિ ગુપ્તિ કે પરિષહો દરેકમાં બાહ્યમાં કંઈ નિમિત્ત હોય છે, છતાં તે સંવર-નિર્જરાની સાધનામાં અંતરલક્ષ્યની વિશેષતા છે. તેથી જ તે ભાવની ઉપસ્થિતિમાં કર્મો અટકે છે, નાશ પામે છે. અર્થાત્ વ્રતો એ પાયો છે, તેમાંથી જીવને ધર્મભાવનાની વિશેષ રુચિ ટકે છે. સંવર નિર્જરા એ ઈમારત છે અને મોક્ષ એ સુખ છે.
૪ નવમો અધ્યાય સંપૂર્ણ ફી