________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ નવમા અધ્યાયનો સંક્ષિપ્ત સાર
૩૬૫ આવા જ્ઞાનીને ધર્મધ્યાન અને શુકલધ્યાન વડે સમયે સમયે અનંત અનંત શુદ્ધ અધ્યવસાયની વૃદ્ધિ થાય છે. આથી કર્મોનો સમૂહ નાશ પામે છે.
ધર્મધ્યાનનો પ્રારંભ થતાં, જીવનો કર્યભાર હળવો બને છે ઉપયોગની સ્થિરતા આવે છે. સૂક્ષ્મ ચિંતનની ધારા ટકે છે, ત્યારે સાધક શ્રેણીના ક્રમમાં શુકલધ્યાનનો સ્વામી બને છે.
ચાર ઘનઘાતી કર્મનો નાશ થઈ જીવ કેવળજ્ઞાન પામી કૃતકૃત્ય થઈ જાય છે. કારણ કે હવે ભવભ્રમણનું કોઈ કર્મબીજ આ અવસ્થામાં રહેતું નથી. ભલે તે સમયે નામ, ગોત્ર આદિ અઘાતી કર્મનો ઉદય છે પરંતુ એ કંઈ બાધા પહોંચાડી શકે તેમ નથી.
ગ્રંથકારે પ્રથમ અધ્યાયમાં મોક્ષનો નિર્દેશ કર્યા પછી આ અધ્યાયમાં તેની પ્રાપ્તિના ઉપાયો બતાવ્યા છે. અનાદિનું ચાલ્યું આવતું મિથ્યાત્વ જીવને અધર્મ પરિણામરૂપે વળગેલું હતું અને જીવ દુઃખ પામતો આવ્યો હતો. આ અધ્યાયમાં સંવર તત્ત્વથી જીવને ધર્મની પ્રાપ્તિ સૂચવી છે. સંવરરૂપ પરિણામથી જીવમાં સાચા ધર્મનો પ્રારંભ થાય છે. પૂર્વસંસ્કારથી જીવમાં ઉત્પન્ન થતા વિકારીભાવોને અટકાવવાનું કાર્ય સંવરતત્ત્વથી થાય છે. સાધક સાચા ધર્મમાં પ્રવેશ કરે છે ત્યારે મિથ્યાભાવ દબાય છે, અટકે છે. મિથ્યાત્વનું અટકવું અને સંવરનું ઉત્પન્ન થવું તે અવસ્થા શુદ્ધ ઉપયોગની છે. અર્થાત્ સાધક જયારે મિથ્યાભાવથી અટકે છે ત્યારે પ્રથમ આ શુભભાવો ટળે છે અને જે કંઈ ધર્મઆરાધના કરે છે તેમાં શુભભાવનો ઉત્પાદ થાય છે. જેમ જેમ ગુણસ્થાનકમાં આગળ વધે તેમ સંવર પરિણામ પણ વૃદ્ધિ પામે છે.
સંવર અને નિર્જરા પક્ષીની પાંખ જેવા છે. બંને સાથે કાર્ય કરે છે. કેમકે જ્યારે નવા કર્મનું આવવું અટકે છે, જ્યારે ગ્રહણ કરેલા પૂર્વ કર્મો નાશ પામે છે.
જે યોગો આશ્રવનું કારણ હતા તે યોગો ઉપયોગની શુદ્ધિને કારણે સાધનામાં સહાયક બને છે. સમિતિ-ગુપ્તિ દ્વારા યોગોની ક્રિયા સમ્યગૂ બને છે. તેમાં તપના નિમિત્તે ઈચ્છા-આસક્તિનો અભાવ થતાં સાધકમાં આત્માનો શુદ્ધ ઉપયોગ વૃદ્ધિ પામે છે. આથી આત્મપ્રદેશો પર સત્તા જમાવીને બેઠેલાં જૂના કર્મો પ્રથમ તો શિથિલ થઈને રહે છે, પછી સ્વયં આત્મપ્રદેશથી છૂટા થઈ જાય છે.
આવા સંવર નિર્જરા ધર્મરૂપ પરિણામના અધિકારી મુનિઓ છે. છતાં તેના અંશો સમ્યગ્દર્શન સાથે પ્રગટ થાય છે.