________________
નવમા અધ્યાયનો સંક્ષિપ્ત સાર
આઠ અધ્યાય સુધી જીવાદિ તત્ત્વોમાં જીવની સંસારયાત્રાનો ક્રમ જાણ્યા પછી ગ્રંથકાર મહર્ષિ હવે જીવને સંવરરૂપી મોક્ષમાર્ગના સહાયક તત્ત્વમાં પ્રવેશ કરાવે છે. આશ્રવનો નિરોધ કરવાથી જીવને અવરાયેલી શ્રદ્ધાની રૂચિ જાગ્રત થાય છે. નિર્જરા તત્ત્વરૂપ શુદ્ધ પરિણામથી અનાદિના કર્મો ક્રમે ક્રમે ક્ષીણ થઈને જીવ સર્વથા મુક્ત થાય છે.
અકામનિર્જરા વડે સહન કરતો જીવ કોઈ મહાપુણ્યયોગે અધ્યાત્મભાવમાં પ્રવેશ કરે છે. અન્ય પદાર્થોમાં થયેલી નિજબુદ્ધિ અને તે તે પદાર્થો પ્રત્યેનો તાદાભ્ય સંબંધ ક્ષીણ થાય છે. જીવનું સામર્થ્ય પ્રગટે છે, ત્યારે ચૈતન્યનું જાગરણ થાય છે, જે જ્ઞાનપ્રકાશ વડે તત્ત્વને જેમ છે તેમ જાણે છે, શ્રદ્ધા કરે છે, અને સ્વરૂપમાં સમાય છે જ્યાં કેવળ નિરામય સુખ છે.
સંવર એ આત્માના શુભ પરિણામ છે, જ્યાંથી નિર્જરાનો પણ પ્રારંભ થાય છે. સાધનાની અપેક્ષાએ તેના પદ્ધતિસરના વિવિધ પ્રકારો દર્શાવ્યા છે. સમિતિ-ગુપ્તિ દ્વારા જીવ શુદ્ધ થતો જાય છે, સાવધાન બને છે. તેનામાં ક્ષમા આદિ ગુણો પ્રગટ થાય છે જે ચારિત્રની શુદ્ધિમાં સહાયક બને છે. પરિણામે જીવ કોઈ શુદ્ધ વિષયમાં એકાગ્ર થઈ ઉપયોગની ચંચળતા શમાવે છે.
અનાદિ સંયમ અને તેની સાથે નિર્જરારૂપ તપનો સંગમ થવાથી અનાદિના કર્મમળના સમૂહને સાધક છિન્ન ભિન્ન કરી નાંખે છે. કર્મોનું બળ ઘટતું જાય છે. મિથ્યાત્વની દશામાં કર્મથી પ્રભાવિત થયેલો જીવ હવે તેનો બદલો લેવા એક સમય પણ ચૂકતો નથી. કર્મના સમૂહને નાશ કરવાની યુક્તિમાં બાધતપ દ્વારા સાધક ઈચ્છાઓથી વિરમે છે અને અત્યંતર તપ વડે ધ્યાન દ્વારા કર્મનો ક્ષય કરતો ક્ષપક શ્રેણીએ ચઢી સાધક મોક્ષને પ્રાપ્ત કરે છે.
ઉત્કૃષ્ટ સંયમને કારણે શ્રેણી પર આરૂઢ થઈ અનંતગુણશ્રેણી નિર્જરા કરે છે.