________________
૩૫૬
અધ્યાય : ૯, સૂત્ર-૪૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્રાર્થ - પુલાક, બકુશ, કુશીલ, નિર્ઝન્ય અને સ્નાતક (એમ પાંચ પ્રકારના) નિર્ચન્થો (સાધુઓ) હોય છે.
ભાવાર્થ:- સંસારી સર્વે જીવોમાં કર્મોની નિર્જરા મુખ્યત્વે મનુષ્યગતિમાં જ થાય છે. મનુષ્યગતિમાં પણ વીતરાગ કથિત ધર્મ પામેલા અને ભાવથી જૈન ધર્મયુક્ત એવા સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકાના જીવો જ કર્મોની નિર્જરાના અધિકારી છે. તે ચારમાં પણ સાધુ-સાધ્વી સર્વસાવદ્યના ત્યાગી હોવાથી અને મહાવ્રત આદિ મૂલગુણ અને ઉત્તરગુણના ધારક અને પાલક હોવાથી નિર્જરાના સવિશેષ અધિકારી છે.
સાધુજીવનમાં તરતમતાપણે કેટલા પ્રકારના સાધુઓ હોય તે વાત ગ્રંથકારશ્રી અહીં સ્પષ્ટ કરે છે. આ સૂત્રમાં પુલાક આદિ પાંચ પ્રકારના મુનિઓ કહ્યા છે. તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે.
(૧) પુલાક - પુલાક એટલે સાર વિનાનું - નિસ્સાર.
જેમ શેરડી, કેળા કે મોસંબી વિગેરે ફળોની ઉતારેલી છાલ સાર વિનાની કહેવાય છે અથવા સીંગના ફોતરા સાર વિનાનાં કહેવાય છે તેમ જે સાધુએ ચારિત્ર ગ્રહણ કર્યું હોય પરંતુ તે ચારિત્ર દોષોવાળુ હોવાથી સાર વિનાનું હોય તે પુલાક. જ્ઞાન, દર્શન અને ચારિત્રના અતિચારો સેવવાથી સારવાળુ ચારિત્ર જેનું નથી તે પુલાક સાધુ કહેવાય છે.
તેના બે ભેદ છે. લબ્ધિપુલાક અને સેવાપુલાક
લબ્ધિપુલાક - તપ અને શ્રતના પ્રભાવથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટ થઈ હોય છે. લબ્ધિઓનો ઉપયોગ જૈનશાસન ઉપર મહાન આફત આવે ત્યારે જ કરવો જોઈએ તેને બદલે પ્રમાદવશ થઈને પોતાની મહત્તા બતાવવા અથવા યશ, કીર્તિ વધારવા લબ્ધિઓનો ઉપયોગ કરે તે લબ્ધિપુલાક કહેવાય છે.
આ મુનિઓને જૈન શાસન ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય છે. ચારિત્રના પરિણામ પણ હોય છે. પરંતુ મોહના ઉદયથી પોતાની ખ્યાતિ વધારવા લબ્ધિઓનો ઉપયોગ કરી ચારિત્રને સારથી રહિત કરે છે.
જેમ કે સ્થૂલિભદ્ર મુનિએ, તેમની બહેનો વંદન કરવા આવી ત્યારે સિંહનું રૂપ બતાવ્યું. અષાઢાભૂતિ મુનિએ તૃણ ખેંચી સોનૈયાની વૃષ્ટિ કરી. આ લબ્ધિપુલાકના દૃષ્ટાંતો છે.