________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૪૭
૩૫૩ ક્ષપક, (૯) ક્ષણમોહ, (૧૦) જિન (સયોગી – અયોગી) (આ દશ) શ્રેણીવાળા જીવો અનુક્રમે પૂર્વ પૂર્વથી અસંખ્યયગુણી નિર્જરા કરે છે.
ભાવાર્થ - શાસ્ત્રમાં પ્રધાનપણે બાર પ્રકારના તપથી કર્મોની નિર્જરા બતાવી છે. પરંતુ તપની જેમ આત્માના દશ ગુણો એક એકથી ચઢિયાતા છે તેમાં અસંખ્યાતગુણાં કર્મો તૂટે છે.
બીજા શબ્દોમાં કહીએ તો આ સૂત્રમાં કર્મોને ખપાવવા માટે દશ ગુણશ્રેણીઓ બતાવી છે. પહેલી ગુણશ્રેણી કરતાં બીજી ગુણશ્રેણીમાં કાળ ઓછો લાગે છે. અને કર્મો વધારે તૂટે છે. દશે ગુણશ્રેણીઓનો કાળ અંતર્મુહૂર્ત છે. પરંતુ એક પછી એક ગુણશ્રેણીનો કાળ નાનું નાનું અંતર્મુહૂર્ત છે અને વધારે વધારે કર્મોની નિર્જરા થાય છે.
શંકા - ગુણશ્રેણી એટલે શું?
સમાધાન :- ગુણ એટલે ગુણાકારે, શ્રેણી એટલે પંક્તિબદ્ધરૂપે (લાઈનસર) પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા થવી તે ગુણશ્રેણી કહેવાય છે.
સમ્યકત્વ ગુણશ્રેણીમાં જેટલી કર્મોની નિર્જરા થાય છે તેના કરતા શ્રાવકપણાની (દશ વિરતિપણાની) ગુણશ્રેણીમાં અસંખ્યાત ગુણી કર્મોની નિર્જરા થાય છે. આ દશ ગુણશ્રેણી આત્માના અધ્યવસાય સ્વરૂપ (ગુણાત્મક પરિણામ) રૂપ છે. આત્મા જેમ જેમ અધિક – અધિક ઉંચા ગુણો પામતો જાય છે તેમ તેમ તે ગુણોના પ્રતાપે નિર્મળ અધ્યવસાયની ધારાના બળે ક્રમશઃ અસંખ્યાતગુણી નિર્જરા કરનારો બને છે. ઉદય દ્વારા જે કર્મને ખપાવતાં સેંકડો સાગરોપમ થાય તે જ કર્મ ગુણશ્રેણી દ્વારા અંતર્મુહૂર્તમાં આ જીવ નાશ કરે છે.
શંકા - ગુણશ્રેણી દરમ્યાન શું પ્રક્રિયા બને છે જેથી કર્મો અંતમુહૂર્તમાં નાશ પામે?
સમાધાન :- આત્માની પાસે સત્તામાં રહેલા કર્મોની જે દીર્ઘસ્થિતિ છે. તેને તોડવા માટે જીવ બે પ્રક્રિયા કરે છે. સ્થિતિઘાત દ્વારા સ્થિતિ તોડીને ટૂંકી કરે અને રસઘાત દ્વારા રસની જે તીવ્રતા છે. તેની મંદતા કરે છે, અથવા હીન રસવાળી કરે છે.
ત્યારપછી સ્થિતિ અને રસથી હીન થયેલા કર્મદલિકોને ખસેડીને, જે કર્મોનો ઉદય ચાલુ છે તેની સાથે ગુણશ્રેણી રૂપે ગોઠવે છે. ઉદયગત દલિકોની સાથે ગુણશ્રેણી રૂપે ગોઠવાયેલા દલિકો આ જીવ ખપાવે છે. આમ ઉદય દ્વારા જે કર્મને ખપાવતા સેંકડો સાગરોપમ થાત તે જ કર્મ અંતર્મુહૂર્તમાં ખપાવે છે.