________________
૩૪૨
અધ્યાય : ૯, સૂત્ર-૪૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ ચિંતન - મનન કરવું એ મતિજ્ઞાન - શ્રુતજ્ઞાનના આવરણના ક્ષયોપશમનો વિષય છે. કેવલીભગવંતોને મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન આદિ પ્રાથમિક જ્ઞાનો હોતાં નથી. તેથી અહીં ‘ધ્યાન’ શબ્દનો અર્થ આત્મપ્રદેશોની સ્થિરતા અર્થાત્ યોગ નિરોધ એવો સમજવો.
જ્યારે સૂક્ષ્મ એવા કાયયોગનો નિરોધ થતો હોય એટલે કે સૂક્ષ્મ એવી કાયિક ચેષ્ટાઓ દ્વારા આત્મપ્રદેશોનું જે જે સ્ફૂરણ છે તે અટકાવાતું હોય અને યોગરહિત અવસ્થા પ્રાપ્ત કરાતી હોય ત્યારે સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ ધ્યાન કહેવાય છે.
સંપૂર્ણપણે યોગનો નિરોધ થઈ જાય, આત્મા અયોગી બની જાય, આત્મપ્રદેશો મેરુપર્વતની જેમ સંપૂર્ણપણે નિશ્ચલ બની જાય ત્યારે શુક્લધ્યાનનો ચોથો ભેદ વ્યુપરતક્રિયા નિવૃત્તિ ધ્યાન હોય છે. અહીં આત્માની સંપૂર્ણ નિષ્કપ અવસ્થા હોવાથી કર્મોનો આશ્રવ સર્વથા વિરામ પામે છે. એટલે અનાશ્રવભાવ અથવા સર્વસંવરભાવ હોય છે.
શંકા :- જો કેવલી ભગવંતોને અંતિમ કાલે સૂક્ષ્મકાય યોગનો નિરોધ કરતાં અને અયોગી ગુણઠાણે જ આ બે ધ્યાનો આવતા હોય તો કેવલી અવસ્થાના (તેરમા ગુણઠાણાની પ્રાપ્તિના) પ્રથમ સમયથી ક્યું ધ્યાન હોય ? પ્રથમના બે ભેદો પૂર્વધરને હોવાથી છદ્મસ્થને જ હોય છે. તો તેરમા ગુણઠાણાના પ્રારંભકાલે શું હોય ? અર્થાત્ કયું ધ્યાન હોય ?
સમાધાન :- સામાન્યથી કેવલી ભગવંતોને કોઈ ધ્યાન હોતું જ નથી. કારણ કે ધ્યાન એટલે એકાગ્ર મનોવૃત્તિ-એકચિત્તે વિચારણા કરવી.
કેવલી ભગવંતોને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ન હોવાથી ચિંતન-મનન વિચારણા નથી. સર્વજગતને સાક્ષાત્ દેખે છે. વળી ધ્યાન કરવું એ સાધક દશા છે અને કેવલી અવસ્થા એ સિદ્ધ દશા છે. માટે કેવલી ભગવંતોને ધ્યાન હોતું નથી. તેથી તેઓની જે
અવસ્થા છે તેને ધ્યાનાન્તરિકા દશા કહેવાય છે. ધ્યાન વિનાની અવસ્થા કહેવાય છે.
તેમા ગુણઠાણાના અંતે અને ચૌદમે ગુણઠાણે જે ધ્યાન છે તે પણ યોગનિરોધરૂપ ધ્યાન છે. આત્મપ્રદેશોની સ્થિરતા - નિષ્કપ અવસ્થા એ ધ્યાન છે. પણ ચિંતન-મનન રૂપ ધ્યાન નથી.