________________
૩૩૮
અધ્યાય : ૯, સૂત્ર-૩૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ આયુષ્યકર્મના ઉદયથી નરક આદિ ગતિમાં જકડાઈ રહેવું પડે છે. નામકર્મના ઉદયથી શુભ કે અશુભ દેહ આદિ મળે છે. ગોત્રકર્મના ઉદયથી ઉચ્ચ કે નીચગોત્રમાં જન્મ લેવો પડે છે. અંતરાયકર્મના ઉદયથી દાન, લાભ આદિમાં અંતરાય થાય છે. આ રીતે આઠ કર્મોના ફળનો વિચાર તે વિપાક વિચય ધર્મધ્યાન.
સંસ્થાના વિચય - સંસ્થાન એટલે આકાર. લોકના તથા લોકમાં રહેલા દ્રવ્યોના આકારનું કે સ્વરૂપનું પર્યાલોચન એ સંસ્થાન વિજય ધર્મધ્યાન છે.
લોક, જગત, વિશ્વ વગેરે શબ્દો એકાર્થક છે. લોકને ઉપરના છેડાથી નીચેના છેડા સુધી માપવામાં આવે તો ૧૪ રજજુ પ્રમાણ થાય છે. તેનો આકાર પગ પહોળા કરી કેડે હાથ દઈ ઉભા રહેલા પુરૂષ સમાન છે. તેના ઉર્ધ્વ, અધો અને તિચ્છ તેમ ત્રણ વિભાગ છે. અધોલોક ઉંધા પડેલા કુંડાના આકાર સમાન છે. તિર્થાલોક થાળીની આકૃતિ સમાન છે. ઉર્ધ્વલોક મૃદંગ સમાન છે. તિરછલોકના નીચેના ભાગમાં વ્યંતર તથા ઉપરના ભાગમાં જ્યોતિષ્ક જાતિના દેવો રહે છે. મધ્યભાગમાં બંગડીના આકારે અસંખ્ય દ્રીપો અને સમુદ્રો આવેલા છે. તેમાં અઢી દ્વીપમાં મનુષ્યો વસે છે. શેષ દીપસમુદ્રમાં તિર્યંચો વસે છે. ઉર્ધ્વલોકના પ્રારંભમાં વૈમાનિક જાતિના દેવો રહે છે. અધોલોકમાં ભવનપતિ દેવો રહે છે. આ પ્રમાણે શાસ્ત્રોના આધારે લોકના આકાર, સ્વરૂપ વગેરેનો વિચાર કરવો તે સંસ્થાનવિય ધર્મધ્યાન છે.
આજ્ઞા, અપાય અને વિપાક એ ત્રણના પર્યાલોચનમાં ઉંડા ઉતરતા ઉતરતા સમગ્ર વિશ્વ વ્યવસ્થાની જિજ્ઞાસા સહજ રીતે મનમાં ઉભરાવા લાગે છે. તે ઉપરથી વિશ્વની ઘટના કેવી અદ્ભુત છે? તેના પર્યાલોચનમાં આત્મા લીન થાય છે. વિશ્વના સર્વ સ્થાનોમાં સિદ્ધશીલા જ વસવા યોગ્ય સ્થાન જણાય છે. એ જ સંસ્થાન વિજય ધ્યાનથી શુક્લધ્યાન તરફ જવાનો માર્ગ છે.
ધર્મધ્યાનના સ્વામી : - આ ધર્મધ્યાન અપ્રમત્ત સંયતને હોય છે. ધર્મધ્યાનના સ્વામી સાતમા ગુણઠાણા કે તેથી ઉપરની કક્ષાના (બારમાં ગુણઠાણા સુધીના)ના જીવો કહેવાય છે. કેમ કે સર્વવિરતિધરથી સયોગી કેવળી વચ્ચેની કક્ષાના સંયતોને “અપ્રમત્ત સંયત” આદિ કક્ષા કહેલી છે.
આ દષ્ટિએ છઠ્ઠા ગુણઠાણા સુધીના જીવો અર્થાત્ પ્રમત્ત સંયત કક્ષા સુધીના જીવોને તાત્વિક ધર્મધ્યાન ન હોય તે સિદ્ધ થાય છે. તેઓને અભ્યાસરૂપ ધર્મધ્યાન હોય પણ પારમાર્થિક ધર્મધ્યાન ન હોય.