________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અપ્રમત્તસંયતસ્ય
=
અધ્યાય : ૯, સૂત્ર-૩૭
સંયતની અપ્રમત્ત અવસ્થા
૩૩૭
સૂત્રાર્થ :- આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય, સંસ્થાનવિચય સંબંધી જે વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. જે અપ્રમત્તસંયત જીવોને હોય છે.
ભાવાર્થ :- ધ્યાન ચાર પ્રકારે કહેવાયું છે. પણ જેને અત્યંતર તપ કહી શકાય તેવા ધ્યાનના બે ભેદ છે. જેમાંનું એક છે ધર્મ ધ્યાન.
આ સૂત્રમાં સૂત્રકાર મહર્ષિએ બે વાત કહી છે. ધર્મધ્યાનના ભેદો અને ધર્મધ્યાનના અધિકારી કોણ ? મૂળસૂત્રમાં કહેલો વિચય શબ્દ આજ્ઞા આદિ ચાર શબ્દોની સાથે જોડવો.
વિચય એટલે ચિંતન, પર્યાલોચન, વિવેક, વિચારણા.
આજ્ઞાવિચય :- સર્વજ્ઞ અને સર્વદર્શી શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા સર્વ ભવ્ય જીવોને ઉત્તરોત્તર આત્મસાધક હોવાથી તેમની આજ્ઞાને અનુસરવાની સતત વિચારણા તે આજ્ઞા વિચય ધર્મધ્યાન છે. તેમની આજ્ઞામાં ઘણા ગૂઢ રહસ્યો રહેલાં છે. સાધુઓ માટે અને શ્રાવકો માટે ભગવાનની કઈ કઈ આજ્ઞા છે એ વિષે એકાગ્રતાપૂર્વક ચિંતન મનન કરવું એ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
અપાય વિચય :- અપાય એટલે દુઃખ. સંસારના જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે શારીરિક અને માનસિક દુઃખો અને દુઃખોના કારણભૂત એવા મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કષાય વગેરેનો એકાગ્રચિત્તે વિચાર કરવો તે અપાયવિચય ધર્મધ્યાન.
સંસારમાં અપાય, હડધુતપણું, ઠોકરો, હાનિ, નુકશાન, દુઃખો, ઠેર ઠેર દેખાય છે. આત્માને ક્યાંય પોતાનું સુખ દેખાય નહીં, તેથી આત્મામાં અપાયોની પર્યાલોચના (ચિંતન) ચાલે. જેથી તેનાથી દૂર રહેવાના ઉપાયરૂપ આજ્ઞામાં વધારે સ્થિર થવા માટે સંસારના અપાયોની પર્યાલોચના કરે તે અપાયવિચય ધર્મધ્યાન.
વિપાકવિચય । :- દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવને અનુસારે થનારા જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના ફળનો વિચાર તે વિપાકવિચય. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જીવ અજ્ઞાની રહે છે. દર્શનાવરણીયના ઉદયથી વસ્તુને જોઈ શકાય નહી, નિદ્રા આદિનો ઉદય થાય છે. સાતાવેદનીયથી સાંસારિક સુખ અને અસાતા વેદનીયથી દુઃખનો અનુભવ થાય છે. વિપરીત જ્ઞાન, અવિરતિ, રતિ વગેરે મોહનીયકર્મના ઉદયથી થાય છે.