________________
૪૬
અધ્યાય : ૧, સૂત્ર-૨૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
શ્રુતનિશ્રિત મતિજ્ઞાન :
• ઈન્દ્રિયો અને મન દ્વારા જે વિષયોનું જ્ઞાન પહેલા થયેલું હોય.
• ગુરુ પાસેથી જ્ઞાન મેળવેલું હોય પણ વ્યવહારકાળે તેનું સ્મરણ ન હોય તે.
♦ લોકમુખે બોલાતા શબ્દો વારંવાર સાંભળવા દ્વારા જ્ઞાન મેળવેલું હોય.
આ રીતે પૂર્વે સંસ્કાર પામેલું હોય પરંતુ વર્તમાનમાં શ્રુતને અનુસર્યા વગર જે મતિજ્ઞાન થાય તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય. જેમ કે કોઈ નાના બાળકે ઘોડાને જોયો. કોઈએ એને કહ્યું કે આ પ્રાણીને ઘોડો કહેવાય. પછી વારંવાર ઘોડો જોઈને તેના મગજમાં ઠસી ગયું કે આ પ્રાણી ઘોડો છે. હવે વર્ષ પછી ફરીથી ઘોડો જુએ તો કોઈને પણ પૂછ્યા વિના, પૂર્વના સંસ્કારથી આ ઘોડો એવું જે જ્ઞાન થાય તે શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય છે.
અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન : જે પહેલા કદી પણ સાંભળ્યું નથી. જોયું નથી કે અનુભવ્યું નથી અને આપમેળે પોતાની બુદ્ધિના આધારે જે વસ્તુ સમજાય તે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે.
શંકા ઃ પ્રાપ્યકારી અને અપ્રાપ્યકારી ઇન્દ્રિયોનું કાર્ય વિસ્તારથી સમજાવશો ?
સમાધાન : જરૂ૨. પાંચ બાહ્ય ઈન્દ્રિયો અને છઠ્ઠી અત્યંત ઈન્દ્રિય (મન), એમ કુલ છ ઈન્દ્રિયોમાંથી માત્ર ચાર ઈન્દ્રિયોનો જ વ્યંજનાવગ્રહ થાય છે. ચક્ષુ અને મનનો વ્યંજનાવગ્ન થતો નથી. ચક્ષુ તથા મન અપ્રાપ્યકારી છે અને બાકીની ચાર ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. જે ઈન્દ્રિયો વિષયની સાથે સંયોગ પામીને વિષયનો બોધ કરે છે તે ઈન્દ્રિયોને પ્રાપ્યકારી કહેવાય છે. જેમ કાનમાં વક્તાનો શબ્દ પ્રવેશ કરે તો જ કાન સાંભળે છે. નાકની પાસે ફૂલ અડાડવામાં આવે અને તેની સુગંધ નાકના છિદ્રમાં જાય તો જ જણાય છે. જીભની સાથે લાડવાનો સંયોગ થાય ત્યારે જ રસ જણાય છે. પાણીની ડોલમાં હાથ નાંખીએ ત્યારે જ ઠંડુ કે ગરમ છે તેની ખબર પડે છે. માટે કર્ણ, ઘ્રાણ, રસના અને સ્પર્શનેન્દ્રિય એમ ચાર ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. ચક્ષુ દૂર રહેલા વિષયને સ્પર્ધા વિના જ જાણે છે. દૂર રહેલા પાણીને કે અગ્નિને જુએ છે ત્યારે પાણીથી ચક્ષુ ભીંજાતા નથી અને અગ્નિથી ચક્ષુ બળતા નથી. માટે ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે. ચક્ષુથી દૂર રહેલું કાજળ દેખાય છે, પરંતુ ચક્ષુમાં આંજેલું કાજળ દેખાતું નથી. તેવી જ રીતે ચક્ષુમાં પડેલું તણખલું, કે ચક્ષુમાં નાખેલી દવા દેખાતી નથી. દૂર હોય તો જ દેખાય છે માટે ચક્ષુ અપ્રાપ્યકારી છે.