________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૩૬
૩૩૫ કોઈપણ જીવની હત્યા કેવી રીતે કરવી, ક્યારે કરવી, ક્યા સાધનથી કરવી ઈત્યાદિની ઘણા આવેશપૂર્વક વિચારણા કરવી. ક્રોધ અને ભયંકર આવેશ સાથે હત્યાના વિચારો કરવા. તેને હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે.
(૨) મૃષાનુબંધી રૌદ્રધ્યાન - માયા આદિ કષાયોના આવેશ પૂર્વક અસત્ય બોલવા માટે વિચારો કરવા કે કેવી રીતે અસત્ય બોલવું, કેટલું અસત્ય બોલવું. આ બોલાયેલા અસત્યની સામે ઉલટ તપાસ થાય તો શું પ્રતિકાર કરવો. કેવું અસત્ય બોલવાથી સામેનાને છેતરી શકાશે વગેરે અસત્ય બોલવાની જે વિચારણા તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે.
(૩) સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન :- માયા, કપટ આદિ કષાયોના આવેશપૂર્વક ચોરી સંબંધી વિચારો કરવા, ચોરી કરવા ક્યાં જઈશું તો વધારે લાભ થશે. ચોરી કેવી રીતે અને ક્યા સમયે કરવી. કેવી રીતે ચોરી કરીશું તો નહીં પકડાઈએ, ઈત્યાદિની વિચારણા કરવી તે તેયાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે.
(૪) વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન:- પાંચે ઈન્દ્રિયજન્ય સુખોના જે જે સાધનો પુણ્યોદયથી પ્રાપ્ત થયા હોય તેના સંરક્ષણ માટેના વિચારો કરવા. જેમ કે પ્રાપ્ત થયેલ ધન ક્યાં રાખવું, ક્યાં છૂપાવવું, તેની કેવી રીતે વૃદ્ધિ કરવી. સરકાર, સ્વજનો કે ચોર ન લઈ જાય તેના શું ઉપાયો કરવા ઈત્યાદિ વિચારણા તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. આ ચોથા ભેદમાં સંરક્ષણ શબ્દથી ધન, ધાન્ય, હીરા-મોતી-ઝવેરાત વગેરે જે જે ઈષ્ટ વિષયો પુણ્યોદયથી પ્રાપ્ત થયા હોય તેને સાચવવાના ઉપાયોની ચિંતા કરવી તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે.
પરંતુ તે ન મળ્યા હોય ત્યારે તેને મેળવવાના વિચારો જ્યારે કરવામાં આવે ત્યારે વિપરીત મનોજ્ઞાનામ્ સૂત્ર ૯-૩૩નો અર્થ લાગુ પડતો હોવાથી આર્તધ્યાન કહેવાય છે.
ટૂંકમાં મનગમતા ઈષ્ટ વિષયોનો વિયોગ હોય અને સંયોગ કેમ થાય? તેના ઉપાયોની વિચારણા તે સૂત્ર ૯-૩૩ પ્રમાણે આર્તધ્યાન કહેવાય છે. પ્રાપ્ત થયેલા વિષયોના સંરક્ષણ માટેના ઉપાયોની ચિંતા તે રૌદ્રધ્યાન કહેવાય છે. રૌદ્રધ્યાનના સ્વામી કોણ? મને સુખની પ્રાપ્તિ થાય એ અંગેના વિચારો તે આર્તધ્યાન, મારું સુખ ચાલ્યું ન જાય એ અંગેના વિચારો તે રૌદ્રધ્યાન.