________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૩૫
૩૩૩ ત્રીજા ભેદનું નામ છે ઈષ્ટસંયોગ ચિંતા રૂપ આર્તધ્યાન. ઈષ્ટવસ્તુના વિયોગ કાળે તેને મેળવવાના ઉપાયો વિચારવા.
ચોથા ભેદનું નામ છે નિદાનકરણ આર્તધ્યાન. ધર્મના ફળ રૂપે આ લોક કે પરલોકના સુખની ઈચ્છા એ નિદાનકરણ છે.
આ પ્રમાણે આ ચારે ભેદો દુઃખમાંથી ઉદ્ભવે છે. આવા પ્રકારની ચિંતાઓ કરવાથી મોહની પરાધીનતાના કારણે ઘણા અશુભ વિચારો આવે છે. તેનાથી ભાવિમાં પણ પાછા દુઃખોજ આવે એવા કર્મો બંધાય છે.
આ પ્રમાણે આર્તધ્યાન દુઃખમાંથી ઉત્પન્ન થાય છે. ચિંતાકાળે દુઃખ કરાવે છે અને અશુભકર્મોનો બંધ કરાવવા દ્વારા તેના ઉદયકાળ પુનઃ દુઃખ જ આપે છે.
સૂત્ર (૯-૩૫) પ્રયોજન - આર્તધ્યાનના સ્વામી ક્યા જીવો હોઈ શકે તે જણાવે છે. तदविरत - देशविरत - प्रमत्तसंयतानाम् ९-३५ તદવિરત - દેશવિરત - પ્રમત્તસંયતાનામ્ ૯-૩૫ તદ્ - અવિરત - દેશવિરત - પ્રમત્તસંયતાનામ્ ૯-૩૫
શબ્દાર્થ :- તદ્ = તે આર્તધ્યાન, અવિરત = અવિરતિ જીવો, દેશવિરતિ = દેશવિરતિધર જીવો, શ્રાવકો, અગારી વ્રતીઓ, પ્રમત્તસંયત = સર્વવિરતિધર મુનિઓ.
સૂત્રાર્થ :- (આર્તધ્યાન)અવિરત, દેશવિરત અને પ્રમત્ત સંયતને સંભવે છે. ભાવાર્થ:- આ આર્તધ્યાન નીચે જણાવેલા ત્રણ પ્રકારના જીવોને હોય છે.
(૧) અવિરત:- મિથ્યાત્વથી (પહેલા ગુણસ્થાનકથી) અવિરતસમ્યદૃષ્ટિ (ચોથા ગુણસ્થાનક) સુધીના જીવોને હોય છે.
(૨) દેશવિરત - પાંચમાં ગુણસ્થાનકવાળા જીવોને હોય છે અને (૩) પ્રમત્તસંયત - છટ્ટ ગુણસ્થાનકવાળા જીવોને હોય છે.