________________
૩૩૨
અધ્યાય : ૯, સૂત્ર-૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
સૂત્ર (૯-૩૪) પ્રયોજન :- આર્તધ્યાનનો ચોથો ભેદ જણાવે છે.
निदानं च
९-३४
નિદાનં ચ
૯-૩૪
નિદાનં ચ
૯-૩૪
શબ્દાર્થ :- નિદાનં = નિયાણુ, અપ્રાપ્ત વસ્તુને મેળવવાનો તીવ્ર સંકલ્પ સૂત્રાર્થ :- નિયાણુ પણ (આર્તધ્યાનનો ચોથો ભેદ છે.)
ભાવાર્થ :- નિદાન એટલે છેદવાનું સાધન, નાશ કરવાનું સાધન. ધર્મની ક્રિયા કરતાં કરતાં આ લોક કે પરલોકના સાંસારિક સુખોની ઈચ્છા (માંગણી) કરવાથી આત્માનું કર્મક્ષયરૂપ જે સુખ છે તે છેદાઈ જાય છે, કપાઈ જાય છે માટે આવા પૌદ્ગલિક સુખોની ઈચ્છા કરવી તે નિદાન (નિયાણુ) કહેવાય છે. જ્ઞાનાદિ ગુણોની આરાધના અને તપ આદિ ધાર્મિક અનુષ્ઠાનો અનાદિ કાળનાં આત્માને લાગેલાં ચીકણાં કર્મો તોડીને મોક્ષસુખ અપાવે છે.
જ્યાં જન્મ-મરણાદિ દુઃખો બિલકુલ નથી અને આત્માના અનંત ગુણોની પ્રાપ્તિરૂપ અનંત સુખ જ્યાં છે. તેવા પ્રકારના મુક્તિસુખ અપાવનાર અનુષ્ઠાનો આચરીને આ લોક કે પરલોકનાં રાજ્યપ્રાપ્તિ કે સ્વર્ગપ્રાપ્તિ આદિ તુચ્છ સાંસારિક સુખોની ઈચ્છા કરવી તે કાગડા ઉડાડવામાં ચિંતામણિ રત્નને ફેંકી દેવા અથવા વેડફી નાખવા તુલ્ય છે.
આવી તુચ્છ ભાવનાથી આત્માને પ્રાપ્ત થનારું અનંત આત્મસુખ છેદાઈ જાય છે, કપાઈ જાય છે. તેથી આવા પ્રકારની ભૌતિક સુખની ઈચ્છા કરવી તે નિદાન કરણ નામનું ચોથા પ્રકારનું આર્તધ્યાન છે. સંસારમાં પ્રાપ્ત થયેલા દુઃખોમાંથી અને સુખોના અભાવમાંથી આ ચારે પ્રકારના આર્તધ્યાન ઉત્પન્ન થાય છે.
શંકા :- આર્તધ્યાનના ચાર ભેદો અત્યંત સંક્ષેપમાં કેવી રીતે વર્ણવી શકાય ?
સમાધાન :- પહેલા ભેદનું નામ છે અનિષ્ટ વિયોગ ચિંતા રૂપ આર્તધ્યાન. અનિષ્ટ વસ્તુનો સંયોગ થતાં તેને દૂર કરવાના ઉપાયો વિચારવા. બીજા ભેદનું નામ છે વેદના વિયોગ ચિંતા' રૂપ આર્તધ્યાન. શારીરિક રોગ અને તે દ્વારા થતી શારીરિક અને માનસિક પીડા, તેને દૂર કરવાના ઉપાયો વિચારવા.