________________
૩૨૮
અધ્યાય : ૯, સૂત્ર-૩૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ માટેની વિચારણા તે “અનિષ્ટ વિયોગ ચિંતા આર્તધ્યાન કહેવાય છે. જેમ કે આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં અણગમતી વ્યક્તિ અથવા કોઈ દુષ્ટ વ્યક્તિ આવી જાય તો તે કેમ દૂર થાય તેવી વિચારણા કરવી તે “અનિષ્ટવિયોગ ચિંતા” આર્તધ્યાન કહેવાય છે. સૂત્ર (૯-૩૨) પ્રયોજન - આર્તધ્યાનનો બીજો ભેદ જણાવે છે.
वेदनायाश्च ९-३२ વેદનાયાશ્ચ ૯-૩ર
વેદનાયાઃ ચ ૯-૩ર શબ્દાર્થ - વેદનાયાઃ = વેદના. (રોગ)
સૂત્રાર્થ - વેદના (પ્રાપ્ત થાય ત્યારે તેના વિયોગ)ની ચિંતા કરવી તે આર્તધ્યાનનો બીજો ભેદ છે.)
ભાવાર્થ - વેદના એટલે શારીરિક પીડા -રોગો.
શરીરમાં ડાયાબીટીશ, બ્લડપ્રેશર વગેરે રોગો થયા હોય ત્યારે તે રોગો કેમ દૂર થાય તેની ચિંતા અથવા તે રોગોના વિયોગની વિચારણા કરવી તે વેદનાવિયોગ ચિંતા નામનો આર્તધ્યાનનો બીજો ભેદ છે.
શંકા :- શરીરમાં થતાં રોગો કોઈપણ મનુષ્યોને અણગમતા જ હોય છે. તેથી તે અણગમતા રોગો તથા રોગોથી થતી પીડાનો વિયોગ કેમ થાય? આવી જે વિચારણા કરાય તે શું સૂત્ર ૯-૩૧માં જણાવેલા પ્રથમભેદમાં ના આવે ?
સમાધાન - એક અપેક્ષાએ તમારો પ્રશ્ન વ્યાજબી છે. રોગ અને રોગજન્ય પીડા અણગમતી (અનિષ્ટ) છે. તેથી આ બીજો ભેદ પ્રથમ ભેદમાં સમાવી શકાય છે. કારણકે પ્રથમ ભેદમાં અણગમતી વસ્તુના વિયોગની ચિંતા કરવી તેને આર્તધ્યાન છે તે અર્થ બીજા ભેદમાં પણ ઘટે છે. હવે બે ભેદો ભિન્ન કરવાનું કારણ શું? તે સમજીએ. શરીર એ આત્માના એક એક પ્રદેશની સાથે ઓતપ્રોત છે. લોઢા અને અગ્નિની જેમ વ્યાપ્ત છે. તેથી જ શરીર ઉપર અતિશય રાગ અને મમતા છે. આ કારણથી શરીરમાં થતા રોગો અને તે રોગોથી થતી પીડા અનિષ્ટ છે.