________________
૩૨૬
અધ્યાય : ૯, સૂત્ર-૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
થાય છે. એટલે રસપૂર્વક વારંવાર કરાતા એ વિચારોને - ચિંતનને ભાવના કહેવાય છે. ચિંતન કરતાં ભાવનામાં મન વધારે ઘેરું, અને વધારે સૂક્ષ્મ બને છે.
ધ્યાન :- જે વિચારોથી મન ભાવિત થયું હોય તેમાંના કોઈપણ એક મુદ્દા ઉપર મન સ્થિર થઈ જાય તે ધ્યાન કહેવાય છે.
--
અનુપ્રેક્ષા ઃ- આ ધ્યાનમાંથી બહાર આવ્યા પછી ધ્યાનની અસરના કારણે ચિંતનમાં ઉંડાણ વધે, જે વિસ્તાર વધે, જે સૂક્ષ્મતા તરફ આગળ વધાય તેને અનુપ્રેક્ષા કહેવાય
છે.
પહેલી ભૂમિકામાં ચિંતન હોય છે. તે પછીની ભૂમિકામાં ભાવના આવે છે. અને તે પછીની ભૂમિકામાં ધ્યાન આવે છે. જ્યારે અનુપ્રેક્ષા એ ધ્યાન પછી આવે છે.
મન એકાગ્ર બનવાના કારણે ધ્યાન સમયે આત્માનો ઉપયોગ કોઈપણ એક વિષયમાં સ્થિર થઈ જાય છે. કાન સાંભળે છે. આંખ જુએ છે. નાક સૂંઘે છે. જીભ ચાખે છે અને ચામડી સ્પર્શ અનુભવે છે પરંતુ આ બધું ત્યારે જ શક્ય બને છે કે જ્યારે આત્માનો ઉપયોગ મન દ્વારા એમાં જોડાય છે. જો તે તે ઈન્દ્રિયો સાથે આત્માનો ઉપયોગ મન દ્વારા ન જોડાય તો તે તે ઈન્દ્રિયો દ્વારા તે તે વિષયોનો અનુભવ આત્માને થઈ શકતો નથી.
ઘણીવાર કોઈ વ્યક્તિને ઘણા જોરથી બોલાવવા છતાં પણ તેને સંભળાતું નથી કારણ કે એમાં એનો ઉપયોગ જોડાયો હોતો નથી, જેમ કેટલાક લોકો ધ્યાનબહેરા હોય છે, તેમનો ઉપયોગ હોય તો ધીમેથી બોલેલું પણ એમને સંભળાય છે અને ઉપયોગ ન હોય તો રાડ પાડો તો પણ સંભળાતું નથી. આવું કેમ બને છે ?
કારણ કે એ સમયે એમનો ઉપયોગ એ વિષયમાં હોતો નથી પણ અન્યત્ર હોય છે એ જ રીતે ધ્યાનમાં ચિત્ત એક વિષયમાં સ્થિર-એકાગ્ર બનેલું હોવાથી અન્ય સ્થાનેથી મનનું જોડાણ કપાઈ જાય છે.
યોગ અને ઉપયોગની દૃષ્ટિએ વિચારીએ તો યોગ એ મન,વચન, કાયાની પ્રવૃત્તિરૂપ છે અને ઉપયોગ એ આત્માનો જ્ઞાન-દર્શનાદિ ગુણ છે.
આ ઉપયોગનું જોડાણ મન સાથે થાય, મનનું જોડાણ ઈન્દ્રિયો સાથે થાય અને ઈન્દ્રિયોનું જોડાણ વિષયો સાથે થાય, ત્યારે તે વિષયનો અનુભવ આત્માને થાય છે. આમાંથી ક્યાંય પણ જોડાણ તૂટી જાય તો તે વિષયનો અનુભવ આત્માને થતો નથી.