________________
૩૨૨
અધ્યાય : ૯, સૂત્ર-૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ શબ્દાર્થ:- આ = મર્યાદા સૂચવે છે, મુહૂર્તાત્ = મુહૂર્ત સુધી.
સૂત્રાર્થ - મુહૂર્ત સુધી (અર્થાત્ લગાતાર ધ્યાન વધારે માં વધારે મુહૂર્ત સુધી (૪૮ મિનિટ) રહે છે.
ભાવાર્થ:- મુહૂર્ત એટલે બે ઘડી, અડતાલીસ (૪૮) મિનિટ. એક અહોરાત્રિનો ત્રીસમો ભાગ. આ પ્રમાણે એક રાત્રિદિવસ (૨૪ કલાક) ના ત્રીસમા ભાગને મુહૂર્ત કહેવાય છે. એક મુહૂર્તમાં એક સમય પણ ઓછો હોય તો તે અંતર્મુહૂર્ત (મુહૂર્તમાં કંઈક ઓછું) કહેવાય છે.
જઘન્ય (નાનામાં નાનું) અંતર્મુહૂર્ત નવ સમયનું છે. ઉત્કૃષ્ટ (મોટામાં મોટું) અંતર્મુહૂર્ત એક સમય ન્યૂન (ઓછું) એક મુહૂર્ત (બે ઘડી)નું છે.
કોઈપણ એક વિષયમાં મનની સ્થિરતા વધુમાં વધુ એક મુહૂર્ત સુધી જ ટકે છે. કારણ કે ચિત્ત અતિશય ચંચલ છે. વારંવાર વિષયાન્તર થયા જ કરે છે. કોઈપણ એક વિષયમાં વધુ સમય સ્થિર રહેતું નથી. એક મુહૂર્ત બાદ એક-બે સમય અથવા વધુ સમય બીજા વિષયમાં ધ્યાન જાય છે અને ફરી પાછું મૂળ વિષયમાં ધ્યાન આવે છે. સ્થૂલ દૃષ્ટિએ કોઈને પણ લાગે કે ક્લાકો સુધી લગાતાર ધ્યાન ચાલે છે પણ સૂક્ષ્મદ્રષ્ટિથી નિરીક્ષણ કરવામાં આવે તો મુહૂર્ત બાદ ચિત્ત સૂક્ષ્મ પણ અવશ્ય ચલિત થઈ જાય છે.
શંકાઃ- જો ધ્યાન મુહૂર્ત સુધી જ રહેતું હોય તો ક્લાકો કે દિવસો સુધી ધ્યાનમાં રહેવાના મહાત્માઓના મળતા સમાચારો શું અસત્ય છે ?
સમાધાન :- છદ્મસ્થ જીવોનું ચિત્ત સદા ચંચલ છે એટલે મુહૂર્ત સુધી ધ્યાન રહે છે તે નિશ્ચયનયથી કહ્યું છે. કોઈ વિષયમાં મુહૂર્ત મુહૂર્ત ધ્યાન રહે અને વચ્ચે વચ્ચે વિષયાન્તરમાં એક કે બે સમય પુરતું ધ્યાન બદલાય. પરંતુ તે સ્થૂલદ્રષ્ટિવાળા જીવોથી ગમ્ય ન હોવાથી વ્યવહારનયથી ધ્યાન ઘણા કલાક અને ઘણા દિવસો પણ રહે છે એમ કહેવાય છે. આ મુહૂર્તપ્રમાણનું જે વિધાન છે તે નિશ્ચયનયથી છે અને ઉત્કૃષ્ટથી છે.
શંકા - એક મુહૂર્તમાં શ્વાસોચ્છવાસ, ક્ષુલ્લકભવ અને આવલિકા કેટલાં થાય ?