________________
૩૧૮
અધ્યાય : ૯, સૂત્ર-૨૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ શબ્દાર્થ:- વાચના = પાઠ લેવો, પૃચ્છના = પૂછવું, અનુપ્રેક્ષા = ચિંતન કરવું, આમ્નાય = પરાવર્તના, ધર્મોપદેશ = ધર્મનું કથન કરવું
સૂત્રાર્થ - વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય, ધર્મોપદેશ (એમ પાંચ પ્રકારે સ્વાધ્યાય કહ્યો છે.)
ભાવાર્થ - 4 એટલે આત્માનો, અધ્યાય એટલે સ્વાધ્યાય. જેમાં સાંસારિક ભાવોનો નાશ થતો હોય અને આત્માના ગુણોનો ઉઘાડ થતો હોય તેવા શાસ્ત્રોનું અધ્યયન (અભ્યાસ) તે સ્વાધ્યાય કહેવાય છે. તેના પાંચ ભેદ આ પ્રમાણે છે.
(૧) વાચનાઃ-સાધુ-સાધ્વીને (તેમના યોગ્ય) અને ચતુર્વિધ સંઘને (સંઘને યોગ્ય) આગમ આદિનો પાઠ આપવો. અને મહાત્માઓ પાસે આગમો સાંભળવા તથા આગમોના (સૂત્રોના) અર્થો વિવેચન સાથે યથાયોગ્ય ભણવા, ભણાવવા, સમજવા અને સમજાવવા.
(ર) પૃચ્છના:- ભણાવેલા સૂત્રો અને અર્થો સંબંધી પ્રશ્નો પૂછવા. ગુરુએ જે સૂત્રો અને અર્થે ભણાવ્યા તે શિષ્યોને બરાબર ન સમજાયા હોય અથવા સમજાયા હોય પરંતુ તેમાં કંઈ શંકા હોય તો તે શંકાઓ શિષ્યોએ ગુરુને પૂછવી તે પૃચ્છના.
મારું ભણાવેલું શિષ્યોને બરાબર સમજાયું છે કે કેમ ? તે જાણવા અને ન સમજાયું હોય તો સમજાવવા ગુરુજી પોતે પણ શિષ્યોને જે પ્રશ્નો કરે તે પણ પૃચ્છના કહેવાય છે.
(૩) અનુપ્રેક્ષા:- ભાવના, ભાવવું, વિચારવું તે અનુપ્રેક્ષા. ભણેલા શાસ્ત્રોનું તથા તેના અર્થોનું તેમજ તેના સંબંધમાં રહેલા આનુસંગિક ભાવોનું ચિંતન મનન કરવું. પૂર્વાપર દીર્ઘ વિચારણા કરવી તે અનુપ્રેક્ષા.
(૪) આમ્નાય - મુખથી ઉચ્ચારણ કરવા પૂર્વક સૂત્રો બોલવાં. એટલે કે નવા સૂત્રો ઉચ્ચારણ પૂર્વક વારંવાર બોલવા દ્વારા કંઠસ્થ કરવા અને જુનાં કંઠસ્થ કરેલાં સૂત્રો વારંવાર બોલી જવા (પુનરાવર્તન કરવું) તે.
(૫) ધર્મોપદેશઃ- સૂત્રોના અર્થો ઉપદેશાત્મક પધ્ધતિએ સમજાવવા તે ધર્મોપદેશ. શિષ્યવર્ગને, સાધુ-સાધ્વીને અને ચતુર્વિધ સંઘને યથાયોગ્ય રીતે ઉપકારી થાય તેવો હિતકારી ધર્મનો ઉપદેશ આપવો.
આ પાંચ પ્રકારના સ્વાધ્યાયથી અધ્યયન કરનારને અને કરાવનારને, સ્વ સ્વભાવમાં જ ઉદ્યમશીલ રહેવાથી તેમજ વિભાવદશાનો ત્યાગ થવાથી તેમના પૂર્વબધ્ધકર્મોની નિર્જરા થાય છે.