________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૨૪
૩૧૫ તાત્વિકવિનય - દર્શન, જ્ઞાન, ચારિત્રની (મોક્ષ માર્ગની) સ્વયં આરાધના કરવી. અને બીજાને આ આરાધના કરવા માટે પ્રેરણા કરવી. તે તાત્ત્વિકવિનય કહેવાય છે.
ઉપચારવિનય :- જ્ઞાનાદિ ગુણોથી યુક્ત અને આરાધકોનો યથાયોગ્ય વિનય કરવો. તે ઉપચાર વિનય જાણવો.
બંને મળીને સૂત્રકારે વિનયના ચાર ભેદ કહ્યા છે.
(૧) જ્ઞાનવિનય :- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ પાંચ જ્ઞાનની તથા તે તે જ્ઞાનના તે તે વિષયની શ્રદ્ધા કરવી, જ્ઞાનની ભક્તિ કરવી, જ્ઞાન ઉપર બહુમાનભાવ રાખવો. હેય, બ્રેય અને ઉપાદેય પદાર્થોનું તે તે ભાવે ચિંતન કરવું, વિધિપૂર્વક નવું જ્ઞાન ગ્રહણ કરવું વગેરે જ્ઞાનવિનય છે.
(૨) દર્શનવિનય - દર્શન એટલે શ્રદ્ધા, પરમાત્માએ કહેલા તત્ત્વો ઉપર દ્રઢ શ્રદ્ધા, પ્રીતિ કરવી. સમ્યકત્વના ૬૭ ગુણો અને તેમાં પણ વિશેષ કરીને શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય આદિ ગુણો પ્રાપ્ત કરવા. ઉપકાર કરનારા દેવ-ગુરુ આદિ પ્રત્યે ભક્તિભાવ રાખવો અને આશાતનાનો ત્યાગ કરવો તે દર્શન વિનય.
(૩) ચારિત્ર વિનય :- સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત આ પાંચ ચારિત્રની શ્રદ્ધા કરવી. આવા ચારિત્રધર્મને શાસ્ત્રાનુસાર જાણીને યથાશક્તિ જીવનમાં ઉતારવો. તેનું યથાર્થ પાલન કરવું. આવા ચારિત્ર્યવાન મહાત્માઓ પ્રત્યે ભક્તિ, બહુમાન રાખવું અને આવો ચારિત્રમાર્ગનો ઉપદેશ આપવો તે ચારિત્ર વિનય.
(૪) ઉપચાર વિનય :- જે જે આત્માઓ આપણાથી સમ્યગ્દર્શન આદિ ગુણોમાં અધિક હોય તેવા ગુણીયલ ગુરુઓ તથા ઉપકારી જીવો આવે ત્યારે તેમની સન્મુખ જવું, અંજલિ જોડવી (પ્રણામ કરવા) ઉભા થવું, આસન આપવું, વંદન કરવું, યોગ્ય વસ્ત્ર આદિ આપીને સત્કાર કરવો તથા તેમના ગુણોની પ્રશંસા કરવા દ્વારા સન્માન કરવું વગેરે ઉપચાર વિનય કહેવાય છે.