________________
નવમા અધ્યાયમાં સંવરતત્ત્વ અને નિર્જરાતત્ત્વનું સ્વરૂપ સમજાવ્યું છે. પ્રથમના સૂત્રોમાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દસ પ્રકારનો યતિધર્મ, બાર ભાવના, બાવીશ પરિષહો તથા પાંચ ચારિત્ર એમ ક્રમસર ૫૭ ભેદોનું સ્પષ્ટીકરણ છે. ત્યારબાદ પૂર્વે બાંધેલા કર્મોને ખપાવવારૂપ નિર્જરાતત્ત્વનું વર્ણન છે, જેમાં છ બાહ્ય તપ તથા છ અત્યંતર તપ વિસ્તારથી સમજાવ્યા છે. તેમાં પણ ચાર પ્રકારના ધ્યાનના ભેદો-પ્રભેદો અતિશય સ્પષ્ટતા તથા ઉંડાણપૂર્વક સમજાવ્યા છે
દસમા અધ્યાયમાં સર્વોપરિ એવા મોક્ષ તત્ત્વનું સ્વરૂપ સમજાવ્યું છે. મોક્ષે આ જીવ ક્યારે જાય ? ચાર ઘાતી કર્મોના ક્ષય બાદ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જતા જીવની ગતિનું વર્ણન તથા કેટલાંક દ્વારા પાડીને મોક્ષના જીવોનું વધારે સ્પષ્ટ જ્ઞાન આપવાનો ગ્રંથકારશ્રીએ પ્રયત્ન કર્યો છે જે ખરેખર અદૂભૂત ગ્રન્થરચના છે.
આ ગ્રંથને વધારે સ્પષ્ટ કરતું “તત્ત્વાર્થભાષ્ય” ગ્રંથકારશ્રીએ પોતે જ બનાવ્યું છે. આ ગ્રંથ આગમોના પ્રવેશ માટે એક માર્ગદર્શક ગ્રંથ છે, મૌલિક ગ્રંથ છે. આપણે ઘણાં અહોભાવપૂર્વક આ ગ્રંથનો અભ્યાસ કરીએ. અમેરિકામાં આ ગ્રંથના અભ્યાસનો નમ્ર પ્રયાસ :
લગભગ ૨૫ વર્ષ પહેલા શ્રી ધીરૂભાઈ મહેતા (પંડિતજી) જ્યારે અમેરિકામાં જૈન ધર્મના સ્વાધ્યાય માટે આવ્યા ત્યારે મને તેમની પાસેથી આ ગ્રંથના પ્રત્યેક સૂત્રનો શબ્દાર્થ અને ભાવાર્થ શીખવાની તક મળી. તેમણે મને આ ગ્રંથનો સ્વાધ્યાય કરાવવાની પ્રેરણા કરી. મેં ૧૯૯૩ માં જૈન સેન્ટર ઓફ ન્યુ જર્સીના કેટલાક જિજ્ઞાસુ મિત્રો સાથે દર બીજા અને ચોથા શુક્રવારે એડિશન નજીક અને પહેલા અને ત્રીજા શુક્રવારે Essex Fells ના દેરાસરમાં સ્વાધ્યાય ચાલુ કર્યો. લગભગ પાંચ વર્ષ પછી સ્વાધ્યાય પૂર્ણ થયો. લગભગ ૧૫ વર્ષ પછી એકવાર ભૂલી ચૂકેલા અને નવા સ્વાધ્યાયી મિત્રોએ તત્ત્વાર્થસૂત્ર ગ્રંથનો વિસ્તારથી સ્વાધ્યાય કરાવવા વિનંતી કરી. ઈસ્વીસન્ ૨૦૧૧ માં, મહિનામાં બે વખત સ્વાધ્યાય શરૂ થયો. ઈસ્વીસન્ ૨૦૧૨ માં ફ્રેન્કલીન ટાઉનશીપના શિખરબંધી ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા નજીક આવતી હોવાથી અને તે અંગેની પ્રતિષ્ઠા ચેરમેનની જવાબદારી હોવાથી સ્વાધ્યાય બંધ રહ્યો. ઈસ્વીસન્ ૨૦૧૨ ના જુલાઈમાં ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા થઈ. ત્યાર પછી ટ્રસ્ટીની જવાબદારીમાંથી હું મુક્ત થયો. ઈસ્વીસન્ ૨૦૧૩ થી મારી તમામ શક્તિ સ્વાધ્યાય, સામાયિક, શિબિર અને પર્યુષણ પર્વ જેવા આધ્યાત્મિક ક્ષેત્રમાં વહેતી થઈ. ઈસ્વીસન્ ૨૦૧૩ થી ફરીથી સ્વાધ્યાય શરૂ કર્યો. દર ગુરુવારે રાત્રે ૯૦ મિનિટ માટે સ્વાધ્યાય થતો. વિદ્યાર્થીઓની જ્ઞાનપિપાસા જાણ્યા પછી દરેક અધ્યાયમાં ઓછામાં ઓછી બે વખત Test અને સ્વાધ્યાયને અંતે પરીક્ષા લેવાનું નક્કી કર્યું. વિદ્યાર્થીઓએ હોંશે હોંશે સ્વીકારી લીધું. દર ગુરુવારે રાત્રે થતો સ્વાધ્યાય વર્ષમાં આઠ મહિના (શિયાળો, આયંબિલની બે ઓળી અને પર્યુષણ બાદ કરતા) ચાલતો. લગભગ ચાર વર્ષે સ્વાધ્યાય પૂર્ણ થયો. પહેલા વર્ષે જોડાયેલા બાસઠ વિદ્યાર્થીઓમાંથી સત્તાવાન વિદ્યાર્થીઓ છેક અંત સુધી રહ્યા. વિદ્યાર્થીઓનો ઉત્સાહ, તત્ત્વ જાણવાની જિજ્ઞાસા અને અનિવાર્ય સંજોગો સિવાય નિયમિત હાજરીથી મારો ઉત્સાહ વધી ગયો. ચાર વર્ષ સુધી એક સાથે દર અઠવાડિયે સ્વાધ્યાય કરતા એક કૌટુંબિક વાતાવરણ સર્જાઈ ગયું. દોઢ કલાક માત્ર પ્રવચન નહિ પણ વિવેચન રૂપે વિદ્યાર્થીઓ સાથે મુક્ત મનથી વાર્તાલાપ કરવામાં સમય ક્યારે પૂરો થાય તેની ખબર ન પડે.