________________
( પ્રસ્તાવના )
શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ પછી નજીકના કાળમાં દશ પૂર્વધર પૂજ્ય શ્રી ઉમાસ્વાતિજીએ “શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર” ની રચના કરી છે. ભાષા સંસ્કૃત, પદ્ધતિ સૂત્રાત્મક, સરળ શૈલી અને સૂત્રો બોલતાં જ અર્થ સમજાઈ જાય તેવો શબ્દપ્રયોગ, થોડા શબ્દોમાં ઘણું કહેનારી અને ઉત્તમ ભાવોથી ભરેલી આ રચના ચતુર્વિધ શ્રીસંઘને આગમરૂપી નગરમાં પ્રવેશ કરવા માટે પ્રવેશદ્વારરૂપ થઈ. માત્ર ૩૪૪ સૂત્રો આ ગ્રંથના દશ અધ્યાયમાં સમાવ્યા છે. હજારો ફૂલો નીચોવીને જેમ અત્તર બને તેમ કણમાં મણ અને ગાગરમાં સાગર ભર્યો છે.
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અથવા તત્ત્વાર્થસૂત્ર ઉપર જૈનદર્શનના દિગંબર અને શ્વેતાંબર એમ બંને સંપ્રદાયોમાં અનેક ટીકાઓ પણ રચાઈ. ઘણા આચાર્ય મહાત્માઓએ તથા શ્રાવકોએ ચાલુ ભાષામાં વિવેચનો લખ્યા. તેમાં ગુજરાતી ભાષામાં વિવેચનો લખનારા પૂજ્ય શ્રી રાજશેખરસૂરીશ્વરજી, પંડિત શ્રી પ્રભુદાસભાઈ, પંડિત શ્રી સુખલાલજી, પંડિત શ્રી બેચરદાસભાઈ, પંડિત શ્રી દલસુખ માલણીયાજી વગેરે જૈન સમાજમાં પ્રસિદ્ધ છે.
તત્ત્વાર્થસૂત્રમાં દશ અધ્યાય છે. પ્રથમ અધ્યાયમાં મોક્ષમાર્ગનું પ્રતિપાદન છે. તેને અનુસરતું દર્શનગુણ અને જ્ઞાનગુણનું ભેદ-પ્રભેદનું વિસ્તારથી વિવેચન છે. તેના અનુસંધાનમાં નયોનું વિવેચન કર્યું છે.
અધ્યાય બે, ત્રણ અને ચારમાં જીવતત્ત્વનું વર્ણન છે. તેના વિવેચનમાં પાંચ ભાવો, જીવોના ભેદ-પ્રતિભેદો, જીવોને રહેવાના ક્ષેત્રોનું વર્ણન (અર્થાત્ જૈન ભૂગોળ) તથા ચારે ગતિના જીવોનું દેહમાન, આયુષ્યપ્રમાણ વગેરે વિષયો સમજાવ્યા છે.
પાંચમા અધ્યાયમાં અજીવ તત્ત્વ (ધર્માસ્તિકાય વગેરે) સમજાવ્યું છે. તેના અનુસંધાનમાં જૈનદર્શનના મૂળ પાયાભૂત ત્રિપદી તથા દ્રવ્ય-ગુણ અને પર્યાયનું વર્ણન છે.
છઠ્ઠા અધ્યાયમાં આશ્રવતત્ત્વ સમજાવે છે. ક્યા કયા કારણોથી કર્મ આવે છે, તે કારણોરૂપ આશ્રવ સમજાવ્યો છે. આશ્રવમાં જ પુણ્ય-પાપ તત્ત્વ સમાવી દેવામાં આવ્યું છે. વિશેષમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે એક-એક કર્મોના આશ્રવોનું વર્ણન કરવામાં આવ્યું છે. સાતમા અધ્યાયમાં બારે વ્રતોમાં લાગતા અતિચારો (દોષો)નું વર્ણન કરવામાં આવ્યું છે. આશ્રવ તત્ત્વ જ વધારે સ્પષ્ટતાથી સમજાવવામાં આવ્યું છે. અતિચારો એટલે દોષો. તેનું સેવન વ્રતને દુષિત કરનાર છે એમ કહીને વ્રતપાલન માટે સજાગ થવાનું પ્રેરણાદાયી લખાણ છે.
આઠમા અધ્યાયમાં બંધતત્ત્વનું વર્ણન છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એમ ચાર પ્રકારના બંધનું વિસ્તૃત વર્ણન છે. પ્રકૃતિબંધમાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મો તથા તેના ઉત્તરભેદોનું વર્ણન છે. સ્થિતિબંધમાં જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આઠે કર્મોનો સમજાવ્યો છે. તે જ પ્રમાણે રસબંધ તથા પ્રદેશબંધ સમજાવીને તેમાં પુણ્યપ્રવૃતિઓ કેટલી ? અને પાપ પ્રકૃતિઓ કેટલી ? ઈત્યાદિ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે.