________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૧૯
૩૦૩ ભક્તપ્રત્યાખાન :- જીવનપર્યત ત્રણ આહારનો અથવા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે. શારીરિક પરિકર્મ (સેવા) કરી શકાય છે અને કરાવી શકાય છે. નિયત સ્થાનમાં રહેવાય અને સ્થાનાન્તર પણ કરી શકાય છે.
ઈંગિની - ઈંગિની એટલે ઉઠવા બેસવા આદિની ચેષ્ટા. જેમાં નિયત કરેલા અમુક જ ભાગમાં હરવું, ફરવું આદિ ચેષ્ટા થઈ શકે. આ તપમાં ચારે પ્રકારના આહાર (અશન, જલ(પાણી) ખાદિમ, સ્વાદિમ) નો ત્યાગ હોય છે. શારીરિક સેવા સ્વયં કરી શકે. પરંતુ બીજાની પાસે કરાવી ન શકે. નિયત ક્ષેત્રમાં જ રહે પરંતુ સ્થાનાન્તર ના થાય.
પાદપોપગમન :- પાદપ + ઉપગમન = પાદપોપગમન પાદપ એટલે વૃક્ષ. ઉપગમન એટલે સમાનતા.
જેમાં વૃક્ષની સમાનતા હોય એટલે કે પોતાના નિયત કરેલા ક્ષેત્રમાં જ રહેવાનું હોય. હાથ, પગ આદિ અંગોને હલાવી-ચલાવી શકાય નહિ. જેમ પડી ગયેલું વૃક્ષ જેવી સ્થિતિમાં પડ્યું હોય તેવી જ સ્થિતિમાં સદા રહેવાનું હોય છે. સદા એક પડખે સૂઈને ધ્યાનમાં લીન રહેવાનું હોય છે. શરીરની સેવા કરવાની ન હોય અને ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય તેવા અનશનને પાદપોપગમન અનશન કહેવાય છે.
ઉપર વર્ણવેલા ત્રણ પ્રકારના અનશન એક પછી એક ચઢિયાતી કોટીના છે. જ્યારે પોતાના જ્ઞાનથી અથવા જ્ઞાનીના વચનથી પોતાનું મૃત્યુ નજીક જણાય અને શારીરિક પરિસ્થિતિ ધર્મનું પાલન કરવામાં અસમર્થ જણાય ત્યારે યોગી મહાત્મા અને પૈર્યવાન ગુણસંપન્ન પુરુષો ઉપરના ત્રણ પ્રકારના માવજીવિક અનશનમાંથી યથાશક્તિ કોઈપણ એક અનશન સ્વીકારે છે. કોઈપણ પ્રકારની આકસ્મિક પીડા (જેનાથી તરત જ મૃત્યુ થાય તેવી) ન આવી હોય ત્યારે જે અનશન કરાય તે નિર્વાઘાત અનશન કહેવાય છે. તે કરતી વખતે સમય હોવાથી સંલેખના (દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિનો સંકોચ) કરવા પૂર્વક કરાય છે.
વિદ્યુત્પાત, સર્પદંશ, અગ્નિભય આદિના ઉપદ્રવ પ્રસંગે કરાતું અનશન તે વ્યાઘાત કહેવાય છે. તે કાળે સમય ન હોવાથી સંલેખના (સંકોચ) કર્યા વિના પણ કરી શકાય છે. (વર્તમાનમાં સંઘયણ બળ ઓછું હોવાથી એક સાથે વધુમાં વધુ ૧૬ ઉપવાસનું પ્રત્યાખ્યાન લેવાય છે.)