________________
અધ્યાય : ૧, સૂત્ર-૧૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર (૧-૧૯) પ્રયોજન : વ્યંજનાવગ્રહ કઈ ઇન્દ્રિયોમાં થતો નથી તે આ સૂત્રમાં જણાવ્યું છે.
न चक्षुरनिन्द्रियाभ्याम् १-१९ ન ચક્ષુરનિન્દ્રિયાભ્યામ્ ૧-૧૯
ન ચક્ષુઃ અનિન્દ્રિયાભ્યામ્ ૧-૧૯ શબ્દાર્થ : ચક્ષુઃ = આંખ, અનિન્દ્રિય = મન, ન = નહીં. સૂત્રાર્થ ચક્ષુ અને મન વડે (વ્યંજનાવગ્રહ) થતો નથી.
ભાવાર્થ ? ચક્ષુ અને મન (અનિન્દ્રિય) પદાર્થોને સ્પર્યા વિના જ પોતપોતાના વિષયોને જાણી શકે છે. તેથી ચક્ષુ અને મનનું વ્યંજનાવગ્રહરૂપ મતિજ્ઞાન થતું નથી પણ અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા રૂપ ચાર પ્રકારે મતિજ્ઞાન પ્રવર્તે છે. ટૂંકમાં ચક્ષુ અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ વિના સીધો જ અર્થાવગ્રહ થાય છે.
આંખથી દૂર રહેલી વસ્તુને આંખ જોઈ શકે છે. હજારો માઈલ દૂર રહેલ વસ્તુનું મન ચિંતન કરી શકે છે. પરંતુ સ્પર્શનેન્દ્રિય વગેરે ચાર ઈન્દ્રિયો પોતાના વિષયની સાથે સંબંધ થાય તો જ તેનો બોધ કરી શકે છે. તેવી રીતે ચક્ષુ અને મન પદાર્થને અડીને બોધ કરતી નથી પણ અડ્યા વિના જ બોધ કરે છે. આથી જ ચહ્યું અને મનને અપ્રાપ્યકારી તથા સ્પર્શેન્દ્રિય આદિ ચાર ઇન્દ્રિયોને પ્રાપ્યકારી કહેવામાં આવે છે.
આમ સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રવણેન્દ્રિયના દરેકના પાંચ વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા) ભેદ ગણતા ૫ x ૪ = ૨૦ ભેદ થયા. ચક્ષુરિન્દ્રિય અને મનના ચાર (અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા) ભેદ ગણતા ૪ X ૨ = ૮ ભેદ થયા. આમ મતિજ્ઞાનના ૨૦ + ૮ = ૨૮ ભેદ થાય. આ જ વાત પાના ૪૩ ઉપર આપેલા ટેબલ પરથી પણ સમજી શકાય છે.