________________
૪૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૧૯ કહેવાય છે. આઠમી બૂમે જ્યારે આંખ ખોલી તે વખતે અર્થનો બોધ થતો હોવાથી અર્થાવગ્રહ થાય છે.
આત્માની આવૃત્ત ચેતનાશક્તિ પરાધીનતાવાળી હોવાથી તેને પ્રગટ કરવા ઈન્દ્રિય અને મનની બાહ્ય મદદ જોઈએ.
અહીં વ્યંજનાવગ્રહમાં પણ ચક્ષુ સિવાયની ચાર ઈન્દ્રિયોનો જ વિષય સાથે સંબંધ એ જ્ઞાનની ઉત્પત્તિમાં કારણ છે. જ્યાં સુધી કર્મના આવરણો રહેલા છે ત્યાં સુધી તો મતિશ્રુત જ્ઞાન વડે જ તેને દૂર કરવા પડશે. મતિના ભેદો રૂપે જ અહીં ઈન્દ્રિયજન્ય જ્ઞાનની વાત કરી છે. આ સૂત્રનો સાર એ જ કે ઈન્દ્રિયોને પ્રશસ્તમાં પ્રવર્તાવવી.
સ્પર્શથી વીતરાગની પૂજા કેમ ન કરવી ? રસના (જીભ) પ્રભુના ગુણગાનમાં કેમ ન પ્રવર્તે ? શ્રવણ (કાન) દ્વારા વીતરાગની વાણી જ કેમ ન સાંભળવી ?
જો ઈંદ્રિયો શુભમાં જ પ્રવર્તશે તો તેના ઈહા - અપાય - ધારણા થતાં સંખ્યાતા વર્ષ સુધી તે ધારણા આત્મા ટકાવી શકશે.
શંકાઃ ઈન્દ્રિય અને વિષયનો સંયોગ થતાં જો વિષય ન જણાય તો વ્યંજનાવગ્રહ થાય છે તેમ તમે કહ્યું તે સમજાયું પણ આ તો તદ્દન અજ્ઞાનઅવસ્થા કહેવાય. જ્યાં અલ્પ પણ જ્ઞાનની માત્રા નથી તેવા વ્યંજનાવગ્રહને મતિજ્ઞાનના ભેદ તરીકે કેમ ગણાવો છો?
સમાધાનઃ તમારો પ્રશ્ન વ્યાજબી છે પરંતુ થોડાક સૂક્ષ્મમાં જઈએ તો તેનું રહસ્ય સમજાશે. જેમ ગરમ તવી (લોઢી) ઉપર નાંખેલા પાણીના પહેલા ૧૦ ટીપા ચૂસાઈ જાય છે અને તવી કોરી દેખાય છે પણ ૧૧ મું ટીપું પડતાં તવી ભીની દેખાય છે. ૧૧ મું ટીપું કેમ ન ચૂસાઈ ગયું? કારણ આગળના ૧૦ ટીપાની અસરથી ૧૧ મું ટીપું પડતા તવી ભીની દેખાઈ. તેવી જ રીતે પહેલી સાત બૂમ સુધીના કાનમાં પ્રવેશેલા શબ્દો સર્વથા નષ્ટ થતા નથી. અલ્પ અલ્પ જ્ઞાન માત્રાને તો તે શબ્દો ખોલતા જ જાય છે. પરંતુ તે જ્ઞાનમાત્રા અલ્પપ્રમાણમાં હોવાથી અનુભવમાં આવતી નથી. તેથી જ આઠમી બૂમે જ્ઞાનમાત્રા વધતી હોવાથી ભાઈ જાગે છે જે અર્થાવગ્રહ કહેવાય છે.