________________
૨૯૫
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૧૮
પરિહારવિશુદ્ધિ ચારિત્ર પાળવામાં જે કાળે જે ઋતુ ચાલતી હોય તે કાળે તે ઋતુમાં ઉપર જણાવ્યા પ્રમાણે તપ કરે. પારણામાં સદા આયંબિલ જ કરે. તે આયંબિલ પણ વિશિષ્ટ પ્રકારના અભિગ્રહપૂર્વક કરે. સેવા કરનાર તથા વાચનાચાર્ય સદા આયંબિલ કરે.
આવો તપ અઢાર મહિને પૂર્ણ થાય. દર છ મહિને નીચે જણાવેલ વિધિ પ્રમાણે તપ થાય.
પહેલા છ મહિનાઃ - ચાર સાધુઓ તપ કરે. બીજા ચાર સાધુઓ તપ કરનાર સાધુઓની સેવા કરે, અને એક સાધુ વાચનાચાર્ય બને. સેવા કરનાર અને વાચનાચાર્ય દરરોજ આયંબિલ કરે.
બીજા છ મહિના :- જે સાધુઓ સેવા કરતા હતા તે સાધુઓ તપ કરે અને તપ કરનારા સાધુઓ સેવા કરે. વાચનાચાર્ય પહેલા હતા તે જ સાધુ હોય. વાચનાચાર્ય અને સેવા કરનાર સાધુઓ દરરોજ આયંબિલ કરે
ત્રીજા છ મહિના- હવે વાચનાચાર્ય તપ શરૂ કરે. બાકીના આઠ સાધુઓમાંથી એક વાચનાચાર્ય બને અને સાત સાધુઓ તપસ્વીની સેવા કરે. આઠ સાધુઓ દરરોજ આયંબિલ કરે.
પારણામાં સદા આયંબિલ કરે. આ પ્રમાણે અઢાર મહિને તપ પૂર્ણ થાય. તપ પૂર્ણ થયા પછી ફરીથી તે મુનિઓ આ તપ પણ કરે, અથવા જિનકલ્પ સ્વીકારે અથવા સ્થવિર કલ્પમાં પાછા ચાલ્યા જાય.
ચારિત્ર આચરનારા મુનિઓ કોઈપણ જાતની શારીરિક સેવા-શુશ્રુષા કરવારૂપ અપવાદોનું સેવન કરતા નથી. આંખમાં તૃણ (ફોતરું કે રેતીનો કણ) પડ્યું હોય, જે સહન કરવું દુષ્કર છે તે પણ કઢાવતા નથી. ભિક્ષા વિનાના કાળે કાયોત્સર્ગમાં જ રહે છે. કોઈને દીક્ષા આપતા નથી પરંતુ ધર્મનો ઉપદેશ કોઈ કોઈવાર આપે છે.
પ્રથમ સંઘયણવાળા જ આ ચારિત્ર ગ્રહણ કરે છે. તીર્થંકર પરમાત્મા પાસે અથવા તીર્થકર ભગવાનના હાથે દીક્ષિત થયેલા સાધુ પાસે, આ ચારિત્ર ગ્રહણ કરે. આ ચારિત્ર ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં પાટપરંપરામાં બે પાટ સુધી જ હોય છે. જેમ કે મહાવીર પ્રભુના શાસનમાં જંબુસ્વામી સુધી હતું. તેમના નિર્વાણ બાદ આ ચારિત્ર વિચ્છેદ થયું.