________________
૨૯૪
અધ્યાય : ૯, સૂત્ર-૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ તીર્થકરોના શાસનમાં તથા મહાવિદેહક્ષેત્રમાં સર્વતીર્થકરોના કાળે દીક્ષાના પ્રથમ દિવસથી જ માવજીવનું સામાયિક ચારિત્ર જ હોય છે. ત્યાં છદોસ્થાપ્ય ચારિત્ર હોતું નથી.
આ છેદોપસ્થાપ્ય ચારિત્રના (૧) નિરતિચાર અને (૨) સાતિચાર એમ બે ભેદ હોય છે. નિરતિચાર એટલે અતિચાર રહિત અને સાતિચાર એટલે અતિચાર સહિત. જે ચારિત્રમાં મૂલગુણનો સર્વથા ભંગ થતો નથી પરંતુ જીવોની યોગ્યતાના કારણે ચારિત્ર આપવામાં આવે તે નિરતિચાર છેદોપસ્થાપ્ય કહેવાય છે. આ ચારિત્ર ભરત-ઐરાવત ક્ષેત્રોમાં પહેલા-છેલ્લા જિનેશ્વરોના કાળે સાધુઓને વડી દીક્ષા આપ્યા પછી હોય છે. ઈવર સામાયિકવાળા સાધુઓને છેદોપસ્થાપનીય ચારિત્ર નિરતિચાર હોય છે. એક તીર્થંકર પરમાત્માના તીર્થમાંથી બીજા તીર્થંકર પરમાત્માના તીર્થમાં જતા સાધુઓને પણ આ નિરતિચાર છેદોપસ્થાપ્ય ચારિત્ર હોય છે. તથા શીલભંગ આદિ કોઈ મહાદોષના કારણે મૂલગુણનો ઘાત થવાથી ફરીથી દીક્ષા આપવામાં આવે તે સાતિચાર છેદોપસ્થાપ્ય ચારિત્ર કહેવાય છે. આવા પ્રકારનું સાતિચાર છેદોપસ્થાપ્ય ચારિત્ર ભરત-ઐરાવતમાં પહેલા-છેલ્લા તીર્થકર ભગવાનના કાળે જ હોય છે.
(૩) પરિહારવિશુદ્ધિ ચારિત્ર:
પરિહાર એટલે વિશિષ્ટ કોટિના તપ દ્વારા પળાતું નિર્મળ ચારિત્ર તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. આ ચારિત્રના પાલનમાં નવ સાધુઓનો સમુદાય જ હોય. તેનાથી ઓછા કે અધિક સાધુ સાથે ન હોય.
તે નવ સાધુઓમાં ચાર સાધુ તપ કરે, બીજા ચાર સાધુ તેમની સેવા કરે અને એક સાધુને વાચનાચાર્ય (ગુરુ) તરીકે સ્થાપે. જેને ગુરુ તરીકે સ્થાપવામાં આવે, તેઓને વાચનાચાર્ય કહેવાય. જે વાચનાચાર્ય બને તે તપ કરનાર અને સેવા કરનાર (૪+ ૪) આઠ સાધુઓને વાચના આપે. જો કે સર્વે સાધુઓ અતિશય શ્રુતલબ્ધિસંપન્ન હોય છે. પરંતુ આ રીતે કરવું તે તેઓનો આચાર છે.
તેઓની તપવિધિ આ પ્રમાણે હોય છે. ઉનાળામાં જઘન્યથી એક ઉપવાસ, મધ્યમથી બે ઉપવાસ અને ઉત્કૃષ્ટથી ત્રણ ઉપવાસ. શિયાળામાં જઘન્યથી બે ઉપવાસ, માધ્યમથી ત્રણ ઉપવાસ અને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ. ચોમાસામાં જઘન્યથી ત્રણ ઉપવાસ, મધ્યમથી ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ.