________________
અધ્યાય : ૯, સૂત્ર-૧૩
૨૮૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ કર્મ હોવા છતાં આ બંન્ને પરીષહો હોય છે. મૂલસૂત્રમાં ક્ષયોપશમ કારણ છે કે, ઉદય કારણ છે તે સ્પષ્ટ કર્યું નથી. પ્રજ્ઞા ભલે જ્ઞાનારવણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતી હોય પરંતુ તે કાળે પણ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય તો હોય છે જ. કારણ કે, ક્ષયોપશમ કાળે કર્મનો ઉદય ચાલુ જ હોય છે. માટે જ્ઞાનાવરણીય કર્મની વિદ્યમાનતાવાળા કાળમાં બારમા ગુણઠાણા સુધી આ બંન્ને પરીષહો હોય છે.
શંકા :- પ્રજ્ઞા એટલે બુદ્ધિવૈભવ એ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. આથી પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણ કર્મના ઉદયથી કેવી રીતે હોઈ શકે ?
સમાધાન :- અહીં ‘જ્ઞાનાવરણ કર્મના ઉદયે' એટલે ‘જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી’ એવો અર્થ નથી. પરંતુ ‘જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વર્તમાન હોય ત્યારે' એવો અર્થ છે. પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વર્તમાન હોય ત્યારે આવે છે. કારણ કે પ્રજ્ઞા જ્ઞાનના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. જ્યારે જ્ઞાનનો ક્ષયોપશમ વર્તમાન હોય ત્યારે જ્ઞાનાવરણ કર્મનો ઉદય પણ વર્તમાન હોય છે. આથી પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણ કર્મના ઉદય વખતે આવે છે તે અર્થ બરાબર છે.
શંકાઃ- ૧૧ અને ૧૨મા ગુણસ્થાને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અને ઉદય હોવાથી પ્રજ્ઞા પરીષહ અને અજ્ઞાન પરીષહ હોઈ શકે છે. પરંતુ મોહનીય કર્મનો ઉદય ન હોવાથી પ્રજ્ઞા કાળે અહંકાર અને અજ્ઞાન કાળે દીનતા સંભવતા નથી. તો આ પરીષહોનો જય અને અજય કેવીરીતે હોય ?
સમાધાન :- પ્રજ્ઞા પરીષહનું ગર્વ અને અજ્ઞાનપરીષહનું દીનતા કારણ નથી, કિન્તુ જ્ઞાન અને અજ્ઞાન છે અર્થાત્ વિશિષ્ટ બુદ્ધિ મળવાથી ગર્વ કરવો એ પ્રજ્ઞા પરીષહ નથી, કિન્તુ વિશિષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ એ જ પ્રજ્ઞા પરીષહ છે. વિશિષ્ટ બુદ્ધિ મળવાથી ગર્વ કરવો એ પ્રજ્ઞા પરીષહનો અજય છે.
તે જ પ્રમાણે વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી દીનતા કરવી એ અજ્ઞાન પરીષહ નથી. કિન્તુ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવી એ જ અજ્ઞાન પરીષહ છે. વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી દીનતા કરવી એ અજ્ઞાન પરીષહનો અજય છે. ૧૧ અને ૧૨મા ગુણસ્થાને ગર્વ અને દીનતા ન હોવાથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહનો અજય ન થાય. જય જ થાય, પણ પરીષહ તો આવે, કારણ કે ૧૧ અને ૧૨માં ગુણસ્થાને પ્રજ્ઞા અને અજ્ઞાન બંને સંભવે છે.