________________
૨૮૦
અધ્યાય ઃ ૯, સૂત્ર-૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
થાકે નહી. યોગ્ય આસન મુદ્રાએ બેસી સાધના કરે તે નિષધા પરીષહનો જય કર્યો કહેવાય છે.
પ્રતિકૂળતાઓને લીધે જો રાગ-દ્વેષ આદિ કષાયોને વશ થઈ જવાય તો તે નિષદ્યા પરીષહનો અજય કહેવાય છે.
(૧૧) શય્યા પરીષહ ઃ- (વેદનીય કર્મના ઉદયથી)
શય્યા એટલે શયન અથવા સંથારો, ભૂમિ વગેરે. શયનક્રિયા કરવા માટે પ્રાપ્ત થયેલી ભૂમિ ઉંચી નીચી હોય, કાંટા-કાંકરાવાળી હોય, ખાડા-ટેકરાવાળી હોય અથવા મુલાયમ ટાઈલ્સ અને આરસવાળી અનુકુળ ભૂમિ પ્રાપ્ત થાય તે શય્યા પરીષહ કહેવાય
છે.
પ્રતિકુળ ભૂમિ મળે તો ક્રોધ, દ્વેષ અને ઉદ્દવેગ ન કરવો અને અનુકુળ ભૂમિ મળે તો અહંકાર, રાગ ન કરવો તે શય્યા પરીષહનો જય કર્યો કહેવાય છે. પ્રતિકુળ ભૂમિમાં દ્વેષ અને અનુકુળ ભૂમિમાં રાગ થાય તો શય્યા પરીષહનો અજય કહેવાય છે.
(૧૨) આક્રોશ પરીષહ :- (ક્રોધ મોહનીય કર્મના ઉદયથી)
કોઈ અજ્ઞાની કે દ્વેષી, કઠોર વચન બોલે, અપમાન કરે, આક્રોશ (ગુરસ્ત) કરે, અવિવેક ભર્યું બોલે તે આક્રોશ પરીષહ. તેને સમભાવે સહન કરવો પણ સામે ગુસ્સો ન કરવો તે આક્રોશ પરીષહનો જય કર્યો કહેવાય છે. જો આક્રોશ કરનાર ઉપર તિરસ્કારનો ભાવ આવે, દ્વેષ આવે તો આક્રોશ પરીષહનો અજય કહેવાય છે.
(૧૩) વધ પરીષહ :- (વેદનીય કર્મના ઉદયથી)
કોઈ અજ્ઞાની ક્રોધ કરતાં મારે અથવા કોઈપણ જાતની શારીરિક પીડા યા હાનિ કરે ત્યારે તેના ઉપર સામે ક્રોધ ન કરતાં સમ્યભાવે સહન કરે તે વધ પરીષહનો જય કર્યો કહેવાય છે. આથી ઉલ્ટુ જો ક્રોધ કરે તો વધ પરીષહનો અજય કહેવાય છે.
(૧૪) યાચના પરીષહ :- (માન મોહનીય કર્મના ઉદયથી)
વસ્ત્ર, પાત્ર, આહાર-પાણી-ઉપકરણ-શય્યા-વસતિ વગેરે વિધિ પૂર્વક માંગીને જ ઉપયોગમાં લેવાના હોય છે. માંગવામાં શરમ ન રાખવી તથા ભૂતકાળની સંસારી અવસ્થાનું રાજરાજવીપણું સ્મરણમાં ન લાવવું તે યાચના પરીષહનો જય અને માન, અહંકાર આવે તો યાચના પરીષહનો અજય કહેવાય છે.