________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૯, સૂત્ર-૭
૨૭૧
શ્રવણ મળ્યા પછી પણ તેની રૂચિ થવા રૂપ બોધિબીજ મળવું અતિશય દુર્લભ છે. રત્નત્રયી એ જ સાચો મુક્તિનો માર્ગ છે. સંસારના સમસ્ત સુખો અસાર છે. આવી પ્રતિતી થવી તે કર્મની લઘુતા થયા વિના અશક્ય બને છે. માટે હે આત્મન્ ! તને બધી દુર્લભ વસ્તુઓ મળી ચૂકી છે. હવે તું સાવધ થા. પ્રમાદ ત્યજીને મુક્તિમાર્ગનું આરાધન કરવા પુરૂષાર્થ
કર.
શંકા :- તથાભવ્યતા પાકવી એટલે શું ?
સમાધાન :- આત્માના વિકાસ પામવાનું જે કાર્ય જે કાળે જેવા સંજોગોમાં અને જેવા નિમિત્તોથી થવાનું કેવલી ભગવંતોએ કેવલજ્ઞાનથી જોયું હોય તેવા કાળ, તેવા સંજોગો અને તેવા નિમિત્તો પ્રાપ્ત થાય ત્યારે તે કાર્ય માટેની આ જીવની તથાભવ્યતા પાકી છે એમ કહેવાય છે.
·
બોધિ દુર્લભ ભાવના ઉપર શાંત સુધારસના કેટલાક શ્લોકોનું ભાષાંતર :નિગોદના અંધારા કૂવામાં પડેલા અને જન્મમરણની ઘટમાળમાં દુઃખી-દુઃખી થઈ ગયેલા જીવોના ભાવોની એવી શુદ્ધિ ક્યાંથી થાય કે જેના વડે તેઓ નિગોદમાંથી બહાર આવી શકે ?
કદાચ એ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળે તો પણ એ પ્રાણીને સૂક્ષ્મ નિગોદ બહાર સ્થાવરપણું મળે છે. પણ ત્રસપણું મળવું તો ઘણું દુર્લભ છે. ત્રસપણામાંયે પંચેન્દ્રિયપણું અને એય છ પર્યાપ્તિઆથી પૂર્ણ મળવું મુશ્કેલ છે. આગળ વધીને સંશીપણું મળી જાય તો આયુષ્યની સ્થિરતા અને મનુષ્યજીવન મળવું બહુ કઠીન છે.
મહાપુણ્યના ઉદયથી મનુષ્યત્વ મેળવીને પણ આ મૂર્ખ પ્રાણી મહામોહ અને મિથ્યાત્વ, માયાકપટની જાળમાં અટવાઈ જાય છે. છેવટે અથડાતો-કૂટાતો સંસારના મોટા અગાધ કૂવામાં વધુ ઉંડે ધકેલાઈ જાય છે.
· મતમતાંતરો અને જુદા - જુદા માર્ગોનો રાફડો ફાટ્યો છે. ડગલેને પગલે ભટકાતા કહેવાતા બુદ્ધિશાળી માણસો જાત જાતના તર્ક-વિતર્ક કરીને પોતાના માનેલા પંથ તરફ કદાગ્રહ પૂર્વક ખેંચાય છે. અત્યારે કોઈ દેવો પણ સાનિધ્ય કે સહાય આપતા નથી કે કોઈ અતિશય-ચમત્કાર થતા નથી. આવા કપરા કાળમાં જે આત્મા ધર્મ ઉપર સુદૃઢ શ્રદ્ધાવાળો હશે એ જ ભાગ્યશાળી હશે.