________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૭
૨૬૫ (૭) આશ્રવભાવના :• કર્મોનું આત્મામાં આવવું તે આશ્રવ,
સામાન્યથી મન, વચન અને કાયા એ ત્રણ યોગ આશ્રવ છે. વિશેષથી અવ્રત, ઇન્દ્રિયો, કષાયો અને ક્રિયા એ આશ્રવ છે. આશ્રવથી કર્મબંધ થાય છે. બંધાયેલા કર્મોના ઉદયથી જીવ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. સ્થિતિબંધ અને રસબંધ પામેલા કર્મો તોડવા દુષ્કર બને છે. ભાવિમાં તેમના ફળો પણ માઠા પ્રાપ્ત થાય છે. કર્મોના ફળો ભોગવવા બહુ જ દુઃખદાયી બને છે.
નરકગતિમાં - પરસ્પર વેદના, ક્ષેત્રકૃત વેદના, અને પરમાધામી દેવો વડે કરાયેલી વેદના અપાર છે.
તિર્યંચગતિમાં અબોલાપણું, આહાર-પાણી માટે પરાધીનતા, ઠંડી, ગરમી અને રોગના દુઃખો સહન જ કરવાના.
મનુષ્ય ગતિમાં કુટુંબ અને સમાજના કુસંપના દુ:ખ, ધનની પ્રાપ્તિ, સંરક્ષણ અને વિયોગના દુઃખો.
દેવગતિમાં પણ યુદ્ધો, અપહરણો, ઈર્ષા અને દ્વેષ વગેરેના દુઃખો.
એમ ચાર ગતિમાં પૂર્વે કરેલા આશ્રવોના ફળો દુઃખરૂપ જ છે. આવી ભાવના ભાવવાથી આશ્રવોનો નિરોધ કરવાની ભાવના ઉત્પન્ન થાય છે.
શાંતસુધારસના આશ્રવભાવના ઉપરના કેટલાક શ્લોકોનું ભાષાંતર :• જેમ ચારે બાજુથી દોડ્યા આવતા ઝરણાઓ તળાવને પાણીથી છલકાવી દે છે, તેમ
પ્રાણીઓ જાત જાતના પાપ-આશ્રયો વડે ઉભરાય છે. આકુળ વ્યાકુળ બને છે, અસ્થિર અને ગંદા બને છે. મહાપુરૂષોએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ નામના ચાર આશ્રવો બતાવ્યા છે. આ આશ્રયો દ્વારા પળે પળે પ્રાણીઓ કર્મના કીચડમાં ફસાય છે અને સંસારના ચકરાવે રખડ્યા કરે છે. આ આશ્રવો જન્મે છે પાંચ ઈન્દ્રિયો, પાંચ જાતના અવ્રત, ચાર જાતના કષાય અને ત્રણ પ્રકારના યોગમાંથી આની સાથે પચ્ચીસ અસક્રિયાને મેળવવાથી આશ્રવના બેતાલીશ (૪૨) પ્રકાર થાય છે.