________________
૨૬૦
અધ્યાય : ૯, સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ • ક્યારેક તું તારી સંપત્તિથી અભિમાની બને છે. તો ક્યારેક દરિદ્રતાથી દીનતા કરે
છે. તું કર્મોને પરાધીન છે. માટે દરેક જનમમાં તું નવા નવા, જુદા જુદા રૂપ ધારણ કરે છે. સંસારના રંગમંચ ઉપર તું એક નાટકિયો છે. બાળકની દશામાં હોય ત્યારે તું તદ્દન પરવશ બનેલો હોય છે. જ્યારે જુવાનીના જોરમાં હોય ત્યારે અભિમાનથી ઉન્મત્ત મદોન્મત્ત બની જાય છે. જ્યારે ઘડપણ આવે છે ત્યારે દુઃખે કરીને જીતી શકાય તેવી જરાથી જર્જરિત થઈ જાય છે. આખરે યમરાજના હાથમાં પડી તેને આધીન થઈ જાય છે. આ સંસારમાં ભવના પરિવર્તન સાથે પુત્ર પિતા બને છે. પિતા પુત્ર બને છે. તું આવી સંસાર સ્થિતિની વિષમતાનું ચિંતન કર અને આવા સંસારના હેતુભૂત પાપોનો ત્યાગ કર. હજુ આ મનુષ્ય જન્મરૂપી શુભ સામગ્રી તારી પાસે છે, માટે પુરૂષાર્થ કર. હે જીવ, જે સંસારમાં તું અનેક પ્રકારનાં દુઃખ, ચિંતાઓ અને રોગોની અગ્નિ જવાળાઓમાં પ્રતિદિન બળ્યા કરે છે. તે સંસાર પર તું રાગ ધારણ કરે છે? પરંતુ એમાં તારો દોષ નથી. મોહ મદિરા તે ઠાંસી ઠાંસીને પીધી છે. તેથી તારી બુદ્ધિ નાશ પામી છે. અફસોસની વાત છે. આ કાળ-મહાકાળ એક જાદુગર છે. આ સંસારમાં જીવોને એ સુખ સમૃદ્ધિ બતાવે છે અને પછી એ માયાજાળ સંકેલીને લોકોને બાળકની જેમ ઠગે છે. સંસાર એક ઈંદ્રજાળ છે. સાચું કંઈ નથી. હે આત્મન્ ! તું તારા મનમાં જિનવચનોનું ચિંતન કર. એ જિનવચનો જ સંસારના સર્વભવોનો નાશ કરશે. શમરસનું અમૃતપાન કરીને તે મુક્તિને પ્રાપ્ત કરીશ. એ મુક્તિ સર્વ દુઃખોના સંપૂર્ણ વિલયરૂપ છે અને શાશ્વત સુખનું એક માત્ર ધામ છે.
(૪) એકત્વ ભાવના :- આ જીવ પોતે એકલો જ છે. પૂર્વભવથી એકલો જ આવ્યો છે અને પરભવમાં પણ એકલો જ જવાનો છે સ્વજનોથી પણ જુદો છે અને શરીરથી પણ જુદો છે. સ્વજનોના નિર્વાહ માટે કરેલા કર્મોનું ફળ પણ આ જીવ એકલો જ ભોગવે છે. કોઈ નિકટનું સગું પણ ભાગ પડાવતું નથી જે શરીર અને સ્વજનો માટે કર્મો કર્યા તે શરીર બળીને રાખ થાય છે. સ્વજનો મૃત્યુ થતા પોત-પોતાના કર્મ અનુસાર અન્ય સ્થળે જાય છે. અને આ જીવ એકલો જ કર્મોના ફળ ભોગવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –