________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૭
૨૫૯ • જ્યારે મનુષ્યના દેહમાં ઉગ્ર કોટિના રોગ દેખાય છે ત્યારે એને કોણ બચાવી શકે
છે? કોઈ જ નહીં રાહુની પીડા ચન્દ્ર એકલો જ સહન કરે છે. તમારી પીડા તમારે એકલાએ જ સહન કરવાની છે, કોઈ ભાગ નહિ પડાવે. એમ સમજીને તે આત્મન્ ! દાન-તપ-શીલ અને ભાવરૂપ ચતુર્વિધ ધર્મનું જ શરણ તું અંગીકાર કર. સમતાની શત્રુ મમતાનો સંગ તું છોડી દે અને શિવસુખના નિધાનરૂપ શાન્ત સુધારસનું આસ્વાદન કર્યા કર.
(૩) સંસાર ભાવના :- સર્વે જીવો ચાર ગતિરૂપ સંસારમાં સતત ભ્રમણ કરે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં અને બીજી ગતિ માંથી ત્રીજી ગતિમાં જન્મ મરણ કરી રખડ્યા જ કરે છે. પિતા મરીને પુત્ર અને પુત્ર મરીને પિતા થાય છે. સ્વજન હોય તે પરજન થાય અને પરજન હોય તે સ્વજન થાય છે. જેના સાથે ગાઢ મૈત્રી હોય તે પણ સ્વાર્થ પૂર્ણ થતાં શત્રુ થાય અને જે શત્રુ હોય તે સ્વાર્થ સાધવા માટે મિત્ર થાય છે. નાની ઉંમરમાં જ ઘણીવાર પતિને પત્નીનો વિયોગ અને પત્નીને પતિનો વિયોગ થાય છે. નાનાં નાનાં બાળકોને માતાનો વિયોગ અને માતાને બાળકોનો વિયોગ થતો નજરે દેખાય છે. એક બાજુ ધંધામાં ભાગીદારના કાવાદાવા થી ધનનો વિયોગ અને બીજી બાજુ હાર્ટએટેક આદિના રોગોથી પત્નીનો વિયોગ થાય ત્યારે લાગે કે “સંસાર ખારો ઝેર છે” જ્ઞાનીઓ જણાવે જ છે કે સંસાર આવો દુઃખમય જ છે. તેમાં ઈન્દ્રિયજન્ય સુખ થોડુ છે અને દુઃખનો ભાર મોટો છે આવું વિચારવાથી નિર્વેદ થાય છે. સંસાર સુખને પણ જીવ દુઃખ માને છે. આ સંસાર અરણ્ય સમાન છે અને સમુદ્ર સમાન પણ છે
સંસાર ભાવના ઉપર શાન્ત સુધારસના કેટલાક શ્લોકોનું ભાષાંતર :• હે જીવ ! મોહ શત્રુએ તને ગળેથી પકડીને ડગલે ને પગલે ત્રાસ આપેલો છે. તું
આ સંસારને જન્મ-મૃત્યુના ભયથી ભરેલો જો અને તેને અત્યંત બિહામણો સમજ. • હે મૂઢ જીવ ! સ્વજન - પરિજનો સાથેના તારા મીઠા સંબંધોના બંધન વ્યર્થ છે.
ડગલે ને પગલે તને આ સંસારના નવા નવા અનુભવો શું નથી થતા? જરા શાંતિથી વિચાર કર.