SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ અધ્યાય : ૯, સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૨) અશરણ ભાવના :- આ સંસારમાં જ્યારે જ્યારે પૂર્વબદ્ધકર્મોના ઉદયથી આપત્તિઓ અને દુઃખો આવે ત્યારે ભૌતિક સાધનો કે સગાં-સંબંધીઓ કોઈ બચાવી શકતું નથી, કોઈ શરણ થઈ શકતું નથી. છ ખંડના અધિપતિ એવા ચક્રવર્તીઓને પણ કોઈ રક્ષણ આપી શકતું નથી. ભુખ્યા સિંહના મુખમાં પકડાયેલા હરણના બચ્ચાને જેમ કોઈનું શરણ નથી તેમ દુઃખકાલે કોઈનું પણ શરણ નથી. અનાથી મુનિની કથા પ્રસિદ્ધ છે. પરમાત્માનું શાસન, રત્નત્રયીની આરાધના અને આત્માના ગુણોનું જ વારંવાર સેવન એ જ કર્મોને તોડવા દ્વારા શરણ બની શકે છે. અશરણ ભાવના ઉપર શાન્ત સુધારસના કેટલાક શ્લોકોનું ભાષાંતર :અનેક પ્રકારે હિતકારી અને પ્રીતિપાત્ર સજ્જનો જ્યારે મૃત્યુના મહાસાગરમાં ડૂબતા હોય છે ત્યારે કોઈ સ્વજન તેમને બચાવી શક્તા નથી. માટે હે આત્મન ! તું મહામંગલકારી જિનધર્મનું જ શરણ સ્વીકારી લે અને અત્યંત નિર્મળ ચારિત્ર ધર્મનું સ્મરણ કર. તે ધર્મ જ તને ડૂબતા બચાવશે. જેમ માછીમાર નાના માછલાઓને જોત જોતામાં પકડી લે છે તેમ યમરાજ, ઘોડા, હાથી, રથ અને સૈન્યથી સજ્જ અને અપ્રતિમ બળવાળા રાજાઓને પણ પકડી લે છે. ભલે તે રાજાઓ યમરાજ સમક્ષ દીનતા કરતા હોય. મહાકાળથી બચવા ભલે કોઈ વજના બનેલા ઘરમાં છૂપાઈ જાય અથવા મોઢામાં તણખલું લઈ એ મહાકાળની આગળ પોતાની હાર કબૂલ કરે.... છતાં એ નિર્દયકાળ કોઈને છોડતો નથી. ભલે ને દેવોને આધીન કરનારા મંત્રો, વિદ્યાઓ કે ઔષધિઓના પ્રયોગ કરો અથવા તમારા શરીરને પુષ્ટ કરનારા રસાયણોનું સેવન કરો. યાદ રાખો, મૃત્યુ તમને છોડવાનું નથી. ભલે તમે લાંબા સમય સુધી પ્રાણાયામ કરીને થાસનિરોધ કરો. ભલે તમે સમુદ્રની પેલે પાર જઈને રહો, ભલે તમે પહાડોના શિખર ઉપર ચઢી જાઓ. પરંતુ એક દિવસ તમારું આ દેહનું પિંજરું જીર્ણ થવાનું જ છે. કાળા ભ્રમર વાળથી શોભતા મસ્તકને સફેદ કરી નાંખનારી અને સુંદર શરીરને શુષ્ક કરી નાંખનારી “જરા” વૃદ્ધાવસ્થાને રોકવા કોણ સમર્થ છે? કોઈ જ સમર્થ નથી.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy