________________
૨૫૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૭ વાસ્તવિક સ્વરૂપ છે. તેના તરફ ચિંતન કર. આમ કરવાથી બાહ્ય પૌગલિક પદાર્થો પ્રત્યે થતી મમતા-રાગ થતો નથી અને તેના કારણે વિયોગ કાળે દુઃખ થતું નથી. તેથી નવા કર્મોના આશ્રવ અટકે છે.
અનિત્ય ભાવના માટે શાન્ત સુધારસના કેટલાક શ્લોકનું ભાષાંતર :હે મૂઢ જીવ! તારા મનમાં પરિવાર આદિ બધા સંસારિક વૈભવોનો વારંવાર વિચાર કરી, તું વ્યર્થ મોહ પામે છે. તારું જીવન ડાભના પાંદડા પર રહેલા જલબિંદુ જેવું છે. અર્થાત્ ક્ષણિક છે. તું તપાસી જો વિષય સુખોનો સંબંધ કેવો ક્ષણભંગુર છે. હાથતાલી લઈને જોતજોતામાં જતો રહે છે. આ સંસારની માયા વિજળીના ઝબકારા જેવી છે. યૌવન કૂતરાની પૂંછડી જેવું કુટિલ છે. જોતજોતામાં તે નાશ પામે છે. યૌવનમાં સ્ત્રીઓને પરવશ, નષ્ટ બુદ્ધિવાળા જીવો, વિષયોના કટુરસપૂર્ણ કષ્ટોને કેમ સમજી શક્તા નથી? ભારે આશ્ચર્ય થાય તેવું છે. આ જગતમાં અતિ દુર્જય જરાથી સત્વહીન અને ક્ષીણ દેહવાળા જીવોનું નિર્લજ્જ મન, કામવિકારોને છોડતું નથી તે શરમની વાત છે. અનુત્તર દેવલોકનાં દેવોના સુખ પણ કાળે કરીને નષ્ટ થઈ જાય છે. તો પછી બીજી કઈ સંસારની વસ્તુ સ્થિર હોઈ શકે તેનો પૂર્ણ વિચાર કર. જેમની સાથે રમ્યા, જેમની સાથે સ્નેહેની વાતો કરી, જેમના વખાણ કર્યા, તેમને ભસ્મ થયેલા જોઈને પણ આપણે નિઃશંકપણે વર્તીએ છીએ ! આવા પ્રમાદને ધિક્કાર હો. સમુદ્રના તરંગોની જેમ બધા સજીવ-નિર્જીવ પદાર્થો જન્મે છે ને વિલય પામે છે. ઈન્દ્રજાળ જેવા સ્વજનોના અને ધનના સંયોગો મળેલા છે. તેમાં મૂઢ જીવો રંગાઈ જાય છે. આશ્ચર્ય ! સ્થાવર-જંગમ જગતને હંમેશા ભક્ષણ કરતો કાળ કદાપિ તૃપ્ત થયો નથી એવા કાળના હાથમાં આવેલા આપણો પણ છૂટકારો થવાનો નથી. આત્માનું ચિદાનંદમય રૂપ જોઈને તું એકલા નિત્યસુખનો અનુભવ કર. ક્ષણભંગુર એવા ભૌતિક સુખથી હવે સર્યું.