________________
અધ્યાય-૯
અત્યાર સુધીના આઠ અધ્યાયોમાં સૂત્રકાર મહર્ષિએ પહેલા ચાર અધ્યાયમાં જીવ તત્ત્વ, પાંચમા અધ્યાયમાં અજીવ તત્ત્વ, છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં આશ્રવ તત્ત્વ અને આઠમા અધ્યાયમાં બંધ તત્ત્વ તત્ત્વ ઉપર સુંદર વિવેચન કર્યું.
હવે નવમા અધ્યાયમાં સંવર અને નિર્જરા તત્ત્વો સમજાવશે. શુભ અને અશુભ કર્મને રોકવાં તે દ્રવ્ય સંવર તથા શુભાશુભ કર્મને રોકવામાં કારણભૂત જીવનો અધ્યવસાય તે ભાવસંવર. આ બંને પ્રકારના સંવરને કઈ રીતે આદરવો, તેનું વિશેષ સ્વરૂપ શું છે ? તેની વિસ્તારથી ચર્ચા આ અધ્યાયમાં છે. આશ્રવથી થતો કર્મોનો બંધ સંવર તત્ત્વ દ્વારા અટકાવી શકાય છે. સંવર તત્ત્વ દ્વારા કર્મોના આશ્રવથી થતા બંધને અટકાવી સંચિત કર્મોની નિર્જરા કેમ કરવી તેની પણ ચર્ચા આ અધ્યાયમાં આવરી લેવામાં આવી છે. આ અધ્યાયમાં કુલ ૪૯ સૂત્રો છે.
સૂત્ર (૯-૧) પ્રયોજન :- સંવરની વ્યાખ્યા સમજાવે છે.
आश्रवनिरोधः संवर
આશ્રવનિરોધઃ સંવરઃ
આશ્રવ નિરોધઃ સંવર
૯-૧
શબ્દાર્થ :- આશ્રવ = કર્મોનું આવવું, નિરોધ = પ્રતિબંધ, સંવર = અટકવું. સૂત્રાર્થ :- આશ્રવનો નિરોધ એ સંવર છે.
ભાવાર્થ :- આશ્રવ એટલે કર્મોનું આત્મામાં આવવું. તેનો નિરોધ એટલે કે આવતા કર્મોને રોકવા તે સંવર કહેવાય છે. સૂત્રકારે આશ્રવના ૪૨ ભેદ છઠ્ઠા અધ્યાયમાં સમજાવ્યા છે. (જુઓ સૂત્ર ૬-૧ અને ૬-૬) સંક્ષેપમાં ૪૨ ભેદ સમજી લઈએ.
૧-૨
૯-૧
પાંચ અવ્રત ઃ- હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ આ પાંચ અવ્રત એ આશ્રવ છે. તેની વિરતી અર્થાત્ નિરોધ તે સંવર કહેવાય છે.