________________
૩૫
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૧૬ સૂત્ર (૧-૧૫) પ્રયોજન : મતિજ્ઞાનના ભેદો જણાવી જ્ઞાન પ્રાપ્તિનો ક્રમ પણ જણાવે છે.
अवग्रहेहापायधारणाः १-१५ અવગ્રહેહાપાયધારણાઃ ૧-૧૫
અવગ્રહ-ઈહા-અપાય-ધારણાઃ ૧-૧૫ શબ્દાર્થ અવગ્રહ = અવ્યક્તજ્ઞાન, જેમ કે, “આ કંઇક છે.” ઇહા = આ હશે કે પેલું હશે? એવા વિકલ્પોવાળું જ્ઞાન, અપાય = ઇહા દ્વારા ગ્રહણ કરેલા વિકલ્પો દ્વારા થતું લેવાતું નિર્ણયાત્મક જ્ઞાન, ધારણા = નિર્ણયાત્મક થયેલા જ્ઞાનને ધારી રાખવું.
સૂત્રાર્થ (મતિજ્ઞાનના) અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એમ મુખ્ય ચાર ભેદો છે.
ભાવાર્થ : અવગ્રહઃ ઈન્દ્રિય સાથે વિષયનો સંબંધ થતાં “આ કંઈક છે” એવો અવ્યક્ત બોધ થવો. જેમ કે ગાઢ અંધકારમાં કંઈક સ્પર્શ થતાં આ કંઈક છે એમ જ્ઞાન થાય પણ “શું છે” એ ખબર ન પડે. આ પ્રમાણે જે અવ્યક્ત જ્ઞાન થયું તે અવગ્રહ કહેવાય.
ઈહા: “કંઈક છે” એવો બોધ થયા બાદ “તે શું છે” એવી જિજ્ઞાસા થાય છે. તે શું છે ?” એવી જિજ્ઞાસાને સંતોષવા અર્થાત્ “તે વસ્તુ શું છે ?” એનો નિર્ણય કરવા માટે થતી વિચારણા તે ઈહા કહેવાય છે.
જેમ કે કોઈક ચીજનો સ્પર્શ થયો અને અવ્યક્ત જ્ઞાન થયું તે અવગ્રહ કહ્યો. ત્યાર પછી એવો વિચાર કરે કે આ સ્પર્શ દોરડાનો છે કે સર્પનો? ના, જરૂર દોરડું હોવું જોઈએ. સાપ તો ફંફાડો મારે. આવી વિચારણા તે ઈહા મતિજ્ઞાન કહેવાય.
અપાય : ઈહા પછી આ વસ્તુ અમુક જ છે તેવો જે નિર્ણય તે અપાય. ઉપર આપેલા ઉદાહરણથી ચોક્કસ નિર્ણય પર આવીએ કે આ સર્પનો સ્પર્શ નથી પણ દોરડાનો જ સ્પર્શ છે. આ રીતે કરાયેલા નિર્ણયને અપાય મતિજ્ઞાન કહેવાય છે.
ધારણા : અપાય દ્વારા નિર્ણય થયા બાદ તેનો ઉપયોગ ટકી રહે તે ધારણા.