________________
૨૨૪
અધ્યાય : ૮, સૂત્ર-૨૫
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
ચાર દિશા ચાર વિદિશા - ઉર્ધ્વ અને અધો એમ દશે દિશાઓમાંથી, આત્માના અસ્તિત્વવાળા સર્વ સ્થાનોમાંથી આ જીવ કર્મપ્રદેશો ગ્રહણ કરે છે.
-
પ્રશ્ન-૩ જીવ દરેક સમયે સમાન કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે કે વધારે ઓછા પણ ગ્રહણ કરે છે ? અથવા સઘળા જીવો એક સરખા પુદ્ગલો ગ્રહણ કરે છે કે વત્તા ઓછા પણ ગ્રહણ કરે છે ?
ઉત્તર-૩ યો વિશેષાત્ શબ્દથી આ પ્રશ્નનો ઉત્તર મળે છે. યોગવિશેષ પ્રમાણે ગ્રહણ કરે છે. એટલે કે જ્યારે આ જીવ જઘન્યયોગવાળો હોય ત્યારે જઘન્ય (હીન) કર્મપ્રદેશો ગ્રહણ કરે છે અને જ્યારે ઉત્કૃષ્ટ યોગવાળો હોય છે ત્યારે ઉત્કૃષ્ટ કર્મપ્રદેશો ગ્રહણ કરે છે. યોગની હિનાધિકતા પ્રમાણે પ્રતિસમયે હિનાધિક પ્રદેશો ગ્રહણ થાય છે.
સૂક્ષ્મ નિગોદના જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે જઘન્યયોગ હોય છે ત્યારે ઓછામાં ઓછા કર્મપ્રદેશોનું ગ્રહણ હોય છે. સંશી પંચેન્દ્રિય પર્યાપ્તાને ઉત્કૃષ્ટ યોગ હોય છે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશો ગ્રહણ થાય છે.
કોઈક કાળે એક જીવને એક સમયથી વધુમાં વધુ આઠ સમય સુધી સમાન યોગ હોય એવું પણ બને છે. જ્યાં સુધી સમાનયોગ હોય ત્યાં સુધી સમાનપ્રદેશગ્રહણ થાય છે. ટૂંકમાં જે જીવોના યોગમાં જેટલા અંશે યોગની તરતમતા હોય છે. તે જીવમાં તેટલા અંશે તરતમતાવાળો પ્રદેશબંધ થાય.
પ્રશ્ન-૪ આ જીવ કર્મ પુદ્ગલો ગ્રહણ કરે છે તે સ્થૂલ છે ? કે સૂક્ષ્મ છે ? ઈન્દ્રિયગોચર છે કે ઈન્દ્રિયાતીત છે ?
ઉત્તર-૪ ઈન્દ્રિયગોચર નથી પરંતુ ઈન્દ્રિયાતીત છે, સ્કૂલ નથી પરંતુ સૂક્ષ્મ છે. આ ઉત્તર મૂલસુત્રમાં ‘‘સૂક્ષ્મ’' શબ્દથી જાણવો.
શાસ્ત્રોમાં ઔદારિક આદિ આઠ પુદ્ગલવર્ગણા જણાવેલી છે. તેમાંની એક એક વર્ગણા (વર્ગણા યોગ્ય પુદ્ગલસ્કંધો) અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા છે. ઔદારિક વર્ગણાથી વૈક્રિય વર્ગણાની અવગાહના અને વૈક્રિય વર્ગણા કરતાં આહારક વર્ગણાની અવગાહના અતિશય સૂક્ષ્મ છે એમ ક્રમશઃ કાર્યણ વર્ગણાની અવગાહના અતિશય સૂક્ષ્મ છે. કાર્મણવર્ગણા જ કર્મસ્વરૂપે પરિણામ પામવાને યોગ્ય છે. માટે કર્મબંધ વખતે સૂક્ષ્મ એવી કાર્મણ વર્ગણા આ જીવ ગ્રહણ કરે છે અને તેનું કર્મસ્વરૂપે રૂપાન્તર કરે છે.