________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૮, સૂત્ર-૨૫
૨૨૩
ભાવાર્થ : આ સૂત્રમાં હવે પ્રદેશબંધ સમજાવે છે. સર્વે આત્માઓ પ્રતિસમયે કર્મ સ્વરૂપે જે (કાર્પણ વર્ગણાના) પ્રદેશો ગ્રહણ કરીને આત્મપ્રદેશોની સાથે ક્ષીર-નીરની માફક એકમેક કરે છે અર્થાત્ બાંધે છે તેને પ્રદેશબંધ કહેવાય છે.
આ પ્રદેશબંધ યથાર્થ સમજાવવા માટે આ સૂત્રમાં ગ્રંથકારે ક્રમશઃ આઠ પદો આપ્યા છે. તે આઠે પદોમાં સમજાવેલું યથાર્થ સ્વરૂપ સમજવા માટે ગ્રંથકારશ્રી આઠ પ્રશ્નોત્તરથી તે વિષયની સમજ આપે છે.
પ્રશ્ન-૧ આત્મા કાર્યણવર્ગણાના પ્રદેશો પ્રતિસમયે જે ગ્રહણ કરે છે તે કયા કારણે ગ્રહણ કરે છે ? એટલે કે તે પ્રદેશોથી શું શું કાર્ય થાય છે ? પ્રદેશો ગ્રહણ કરીને આત્મા શું કાર્ય નીપજાવે છે ?
ઉત્તર-૧ નામપ્રત્યાઃ - તે તે નામનું (પ્રકૃતિનું સ્વભાવનું) કારણ પ્રદેશો બને છે. કાર્મણ વર્ગણાના જે જે પ્રદેશો આ જીવ ગ્રહણ કરે છે તેમાંથી કોઈક પ્રદેશોમાં જ્ઞાનને આચ્છાદન કરવાની પ્રકૃતિ (સ્વભાવ) ઉત્પન્ન કરે છે, તેથી તે પ્રદેશોનું નામ જ્ઞાનાવરણીય થાય છે.
કોઈક પ્રદેશોમાં દર્શન ગુણનું આચ્છાદન કરવાની પ્રકૃતિ ઉત્પન્ન કરે છે. તેથી તે પ્રદેશોનું નામ દર્શનાવરણીય થાય છે. કોઈ પ્રદેશોમાં સુખ દુઃખનો અનુભવ કરાવવાની પ્રકૃતિ ઉત્પન્ન કરે છે તેથી તે પ્રદેશોનું વેદનીયકર્મ એવું નામ પડે છે.
આ પ્રમાણે ગ્રહણ કરાતા પ્રદેશોમાં તેવા તેવા સ્વભાવો (પ્રકૃતિઓ) ઉત્પન્ન કરવાનું અને તેથી તેવા તેવા નામોનો વ્યવહાર થવાનું કારણ બને છે. પ્રદેશો ગ્રહણ થવાથી પ્રકૃતિબંધ થાય છે. સૂત્રમાં રહેલા નામ પ્રત્યયાઃ શબ્દમાં નામ એટલે તે તે કર્મનું સાર્થક નામ અથવા સ્વભાવ, તેના પ્રત્યય એટલે કારણ.
પ્રશ્ન-૨ આ જીવ જે કર્મપ્રદેશો ગ્રહણ કરે છે તે શું કોઈ એક દિશામાંથી ગ્રહણ કરે છે કે સર્વ દિશાઓમાંથી ગ્રહણ કરે છે ? મસ્તકવાળા ભાગથી કર્મપ્રદેશો ગ્રહણ થાય છે કે પગવાળા ભાગથી પ્રદેશો ગ્રહણ થાય છે કે સર્વ ભાગોથી ગ્રહણ થાય છે ?
ઉત્તર-૨ સર્વતઃ - આ આત્મા પોતાના સર્વ ભાગોથી એટલે કે સર્વ દિશાઓમાંથી સર્વ આત્મપ્રદેશો દ્વારા કર્મપ્રદેશો ગ્રહણ કરે છે કોઈ એક ભાગમાંથી ગ્રહણ કરતો નથી, કારણ કે કાર્મણવર્ગણા ચૌદ રાજલોકમાં સર્વ સ્થાનોમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. તેથી