________________
૨ ૨૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૨૪
ભાવાર્થ : જે કર્મો આ આત્માએ પૂર્વકાળમાં બાંધેલા છે તે કર્મો પોતપોતાનો સ્થિતિકાળ પાકે ત્યારે ઉદયમાં આવે છે, અને ઉદયકાળે તે કર્મો પોતાનો વિપાક (ફળ) બતાવે છે. આ પ્રમાણે સ્થિતિ અને રસ બન્ને ભોગવાઈ જવાથી તે કર્મના પરમાણુઓ કાર્મણ વર્ગણા સ્વરૂપે આત્મપ્રદેશોથી જુદા પડી જાય છે એટલે ખરી જાય છે અથવા નિર્જરી જાય છે. માટે જ સૂત્રમાં કહ્યું છે કે તતઃ અર્થાત્ તે વિપાકોદય દ્વારા રસ ભોગવાઈ જવાથી કર્મો આત્માથી છુટા પડી જાય છે તેને નિર્જરા કહેવાય છે.
નિર્જરાના બે પ્રકાર છે. (૧) વિપાકજન્ય નિર્જરા અને (૨) અવિપાકજન્ય નિર્જરા.
(૧) વિપાકજન્ય નિર્જરાઃ જેમ શરીરમાં થયેલો રોગ વૈદ્યના ઔષધો દ્વારા લાંબા કાળે મટે અથવા આંબા ઉપર આવેલી કેરી લાંબા કાળે પાકે તેમ જે કર્મ જેમ બાંધ્યું હોય તેમ તેના ઉદયકાળે રસથી ભોગવીને આત્માથી છૂટુ પડે તેને વિપાકજન્ય નિર્જરા કહેવાય છે.
આવી નિર્જરા સામાન્યથી સર્વ જીવોમાં પ્રતિસમયે ચાલતી જ હોય છે. આ નિર્જરાને અકામ નિર્જરા પણ કહેવાય છે.
(૨) અવિપાકજન્ય નિર્જરાઃ (સકામ નિર્જરા)
શરીરમાં થયેલો રોગ વૈદ્યોના ઔષધોથી મટાડવાને બદલે એન્ટીબાયોટીક દવા લઈ તરત મટી જાય તેમ કરવું અથવા આંબા ઉપરની કેરી જે સહજપણે લાંબા ગાળે પાકવાની હતી તેને ઘાસમાં નાંખીને જલ્દી પાકે તેમ કરવું. આ રીતે જે કર્મો પોત પોતાની સ્થિતિ અનુસાર જે મોડા ઉદયમાં આવે અને મોડા નિર્જરે તેમ હોય તેને બદલે બાર પ્રકારના તપ દ્વારા સ્થિતિઘાત-રસઘાત કરીને તેનો અલ્પકાળમાં જ નાશ કરવો, અને આત્માનો તે કર્મોથી છુટકારો મેળવવો તે અવિપાકજન્ય નિર્જરા કહેવાય છે. આને સકામનિર્જરા પણ કહેવાય છે.
સાર · કર્મોની નિર્જરા માટે બે રસ્તા બતાવ્યા છે. ૧. તેનો સમય પાકે ત્યારે ફળ આપીને નિર્જરવું અને ૨. ઉદીરણા કરીને તેની સ્થિતિનો પરિપાક થયા પહેલા ખેંચીને નિર્જરા કરવી.