________________
૨૧૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૨૩
(૫) આયુષ્ય કર્મઃ અર્થ : જેને લીધે નરક, તિર્યંચ આદિ ભવની પ્રાપ્તિ થાય તે આયુષ્ય કર્મ.
વિપાકઃ જે ગતિમાં જીવ ઉત્પન્ન થયો હોય તે ગતિમાં તે જીવને આયુષ્ય પર્યત તે ગતિમાં રહેવું પડતું હોય છે. તેથી આ કર્મ જીવના અક્ષયસ્થિતિ ગુણનો ઘાત કરે
ઉપમા આયુષ્ય કર્મ બેડી કે કેદખાના સમાન કહ્યું છે. જેમ બેડીમાં જકડાયેલો કે કેદખાનામાં પડેલો જીવ અન્યત્ર જઈ શકતો નથી. તેમ આયુષ્ય રૂપી બેડીથી બંધાયેલો કે કેદખાનામાં પડેલો જીવ વર્તમાન ગતિનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજી ગતિમાં જઈ શકતો નથી.
(૬) નામકર્મઃ
અર્થ : જેને લીધે આત્માને શરીર આદિની પ્રાપ્તિથી નામ ધારણ કરવું પડે છે તે નામ કર્મ.
વિપાક: નામકર્મના ઉદયથી જીવને અનેક પ્રકારના સ્વરૂપો ધારણ કરવા પડતા હોવાથી તેના અનેક ભેદો છે. આત્માના અરૂપીપણાના ગુણનું આ કર્મ ઘાતક છે.
ઉપમા : નામકર્મ ચિત્રકાર સમાન છે. જેમ ચિત્રકાર જુદા જુદા ચિત્રો બનાવે છે તેમ નામકર્મ અરૂપી એવા આત્માના ગતિ, જાતિ, શરીર વગેરે અનેક રૂપો તૈયાર કરી આપે છે.
(૭) ગોત્ર કર્મ:
અર્થ : જેના લીધે આત્મા ઉચ્ચ-નીચ લક્ષણવાળા ગોત્રની પ્રાપ્તિ કરે છે તેને ગોત્ર કર્મ કહેવાય છે.
વિપાકઃ આ કર્મના લીધે (ઉદયથી) જીવનો અગુરુલઘુ ગુણ ઉપર આવરણ આવે છે, પરિણામે તેને ઉચ્ચ અથવા નીચ સ્થાનમાં જન્મ લેવો પડે છે.
ઉપમાઃ ગોત્ર કર્મ કુંભાર સમાન છે. કુંભાર સારા અને ખરાબ બે જાતના ઘડા બનાવે છે. જેમ સારા ઘડાની કળશ રૂપે સ્થાપના થાય છે. ખરાબ ઘડા દારૂ વગેરે ભરવાથી નિંદા પાત્ર બને છે, તેમ ગોત્ર કર્મના યોગે ઉચ્ચ-નીચ કુળમાં જન્મવાથી જીવની પણ ઉચ્ચ નીચ આદિ રૂપે ગણતરી થાય છે.