________________
૨૧૮
અધ્યાય : ૮, સૂત્ર-૨૩
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
તેમ તેમ ઓછો બોધ થાય અને આવરણ ઓછું અર્થાત્ હીનરસવાળું તેમ તેમ વધારે બોધ થાય પરંતુ આત્મા ક્યારેય પણ સંપૂર્ણ જ્ઞાનરહિત બનતો નથી.
(૨) દર્શનાવરણ કર્મ :
અર્થ : દર્શનાવરણ એટલે દર્શનનું આવરણ.
વિપાક : જીવના દર્શનગુણને આવૃત્ત કરે છે. સામાન્ય બોધનો અભાવ.
ઉપમા : આ કર્મ પ્રતિહાર એટલે દ્વારપાળની સમાન છે. જેમ દ્વારપાળ રાજસભામાં આવવાને ઈચ્છતી વ્યક્તિને રોકી રાખે. તો તેને રાજાના દર્શન થતા નથી, તે રીતે દર્શનાવરણથી જીવ વસ્તુને જોઈ શકતો નથી અર્થાત્ સામાન્ય બોધ પામી શકતો નથી. (૩) વેદનીય કર્મ :
અર્થ : વેદનીય એટલે સુખ કે દુઃખનું વેદન કરાવે તે.
વિપાક : વેદનીય કર્મ પર પુદ્ગલ પદાર્થના સંયોગ વિયોગનું વેદન કરાવી સુખ દુઃખ ઉપજાવે છે.
વેદનીય કર્મ મધ વડે લેપાયેલી તલવારની તીક્ષ્ણ ધાર સમાન છે, કેમ કે ચાટતા પ્રથમ સ્વાદ લાગે, પણ પરિણામે જીભ કપાતા પીડા થાય. તેમ આ વેદનીય કર્મ પ્રથમ સુખનો અને પછી દુઃખનો અનુભવ કરાવે છે અને તેનાથી થતો સુખનો અનુભવ પણ પરિણામે દુઃખ આપનારો જ થાય છે.
(૪) મોહનીય કર્મ :
અર્થ : મોહનીય એટલે મોહ કે મુંઝવણ. આવી મુંઝવણ દ્વારા શ્રદ્ધા અને વિરતિ વગેરેનો અભાવ કે ઓછાપણું તે મોહનીયકર્મ.
વિપાક : મોહ ઉપજાવે છે એટલે સ્વ-પરના વિવેકનું ભાન ભૂલાવી, આત્માને જડત્વના ભોગ-ઉપભોગ તરફ આકર્ષી તેના શુભાશુભ સંયોગ વિયોગમાં રિત-અરિત ઉપજાવી રાગ-દ્વેષ કરાવે છે.
ઉપમા : મોહનીય કર્મ મદિરા સમાન છે. જેમ મદિરાનું પાન કરવાથી માણસ વિવેક રહિત બની જાય છે. હિત-અહિતનો વિચાર પણ કરી શકતો નથી. તેમ મોહનીય કર્મના યોગે જીવ વિવેક રહિત બને છે અને આત્મા માટે હેય શું છે ? ઉપાદેય શું છે? તે વિચારી શકતો નથી. પરિણામે આત્માનું અહિત કરનારી અયોગ્ય પ્રવૃત્તિ કરે છે.