________________
અધ્યાય : ૮, સૂત્ર-૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
સ્થિતિબંધ અને રસબંધ કાષાયિક અધ્યવસાયજન્ય છે. ૧૧-૧૨-૧૩ મા ગુણઠાણે કષાયો છે જ નહીં. તેથી માત્ર પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ જ થાય છે. તેથી ૧૧-૧૨૧૩ માં સ્થિતિબંધ ન થતો હોવાથી ૧૨ મુહૂર્તપ્રમાણ વેદનીયકર્મનો જઘન્ય સ્થિતિબંધ સકષાયી જીવોને આશ્રયી કહેલ છે.
૨૧૪
સાર ઃ આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે કોઈ ભારે કર્મી માણસ લહેર કરતો હોય છે જ્યારે હળવા કર્મવાળો આરાધક અત્યંત દુઃખી હોય છે. તેનું શું કારણ ? કારણ છે સ્થિતિબંધ. કયા ભવનું કયુ કર્મ ક્યારે ઉદયમાં આવે તે કહી શકાય નહિ. જેમકે વેદનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કો.કો. સાગરોપમ પ્રમાણ છે. આટલા કાળમાં તો આખું દોઢ કાળચક્ર ફરી જાય છે. ત્રણ ચોવીસી બદલાઈ જાય. તો પછી હાલમાં આવેલ સુખ દુઃખ પણ કયા જન્મનાં બાંધેલા કર્મોનાં ફળ છે તે નક્કી ન થઈ શકે. હાલ કરાતા ધર્મ-અધર્મનું ફળ કેમ નથી મળતું તે પ્રશ્ન પણ અસ્થાને જ રહે છે.
સૂત્ર (૮-૨૨) પ્રયોજન : સૂત્રકાર મહર્ષિ પ્રકૃતિબંધ અને સ્થિતિબંધના સ્વરૂપને સ્પષ્ટ કર્યા પછી હવે આ સૂત્રમાં રસબંધ (અનુભાવ) સમજાવે છે.
૮-૨૨
विपाकोनुभावः વિપાકોનુભાવઃ
૮-૨૨
વિપાકઃ અનુભાવઃ
૮-૨૨
શબ્દાર્થ : વિપાક = ફળ આપવાની શક્તિ, અનુભાવ
= રસ.
સૂત્રાર્થ : કર્મોનો જે વિપાક (ફળ આપવાની શક્તિ) તે અનુભાવબંધ છે. (તેને રસબંધ અથવા અનુભાગબંધ પણ કહેવાય છે.)
ભાવાર્થ : કર્મનો બંધ થતી વખતે તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયના તીવ્રમંદ ભાવ પ્રમાણે દરેક કર્મમાં તીવ્ર-મંદ ફળ આપવાની શક્તિ આ જીવ ઉત્પન્ન કરે છે. એ ફળ આપવાનું સામર્થ્ય તે અનુભાવ છે. અને તેનું નિર્માણ તે અનુભાવ બંધ છે. પરિપાક, વિપાક, અનુભાવ, રસ, ફળ આ બધા શબ્દોનો અર્થ સમાન છે. કર્મોમાં ફળ આપવાની જે શક્તિ છે તેને રસબંધ કહેવાય છે. દરેક કર્મોનું જે ફળ હોય છે તેને વિપાક અથવા વિપાકોદય પણ કહેવાય છે. તથા અનુભાવબંધ અથવા અનુભાગબંધ પણ કહેવાય છે.