________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૧૮
૨૧૧ ઉદયમાં આવતું નથી અને ભોગવવું પડતું નથી. તે કાળને અબાધાકાળ કહેવાય છે. અને જે સમયોમાં દલિકોની રચના થાય છે તે ભોગ્યકાળ કહેવાય છે. બન્ને મળીને સ્થિતિબંધ કહેવાય છે. | સામાન્યથી એવો શાસ્ત્રીય નિયમ છે કે જે કર્મોની જેટલા સાગરોપમની સ્થિતિ બંધાય તે કર્મોનો (આયુષ્યકર્મ વિના) તેટલા સો સો વર્ષનો અબાધાકાળ હોય છે. વધુમાં વધુ જે સ્થિતિબંધાય તેને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહેવાય છે.
આઠે કર્મોમાં વધુમાં વધુ (ઉત્કૃષ્ટ) કેટલી સ્થિતિ બંધાય? તે ઉપરના ચાર સૂત્રોમાં સ્પષ્ટ કરે છે. અહીં આયુષ્યકર્મ વિના બાકીના સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જે જણાવી છે તે અબાધાકાળ અને ભાગ્યકાળ એમ બન્ને ભેગી કરીને કહી છે, જ્યારે આયુષ્યકર્મની ૩૩ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ જે કહી છે તે માત્ર ભોગ્યકાળને જ આશ્રયી કહી છે. ત્યાં અબાધાકાળ ગણવામાં આવ્યો નથી.
શંકા : અબાધાકાળ ગણીએ તો આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી થાય?
સમાધાનઃ સાત કર્મોનો અબાધાકાળ તેઓની બંધાતી સ્થિતિને અનુસાર એક એક કોડાકોડી સાગરોપમે સો સો વર્ષ પ્રમાણે અબાધાકાળ હોય છે. પરંતુ આયુષ્યકર્મનો અબાધાકાળ પોતાની બંધાતી સ્થિતિને અનુસાર હોતો નથી પણ પૂર્વભવનું આયુષ્ય જેટલું બાકી હોય તેટલો અબાધાકાળ હોય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની બંધાય ત્યારે અબાધાકાળ જઘન્ય પણ હોય, મધ્યમ પણ હોય અને ઉત્કૃષ્ટ પણ હોય. માટે આયુષ્યકર્મમાં સ્થિતિબંધની અંદર અબાધાકાળ ગણ્યો નથી. મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ બંધાય છે, તેમાં ૭૦X ૧૦૦ = ૭૦૦૦ (સાત હજાર) વર્ષ અબાધાકાળ હોય છે. નામકર્મ અને ગોત્રકમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ બંધાય છે. તેમાં ૨૦૦૦ (બે હજાર) વર્ષ અબાધાકાળ હોય છે અને આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (ભોગ્યકાળને આશ્રયી) ૩૩ સાગરોપમ છે. આ પ્રમાણે આઠે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી બંધાય ? તે સૂત્ર ૮-૧૫ થી ૮-૧૮માં જણાવ્યું.
હવે આઠે કર્મોની જઘન્ય (ઓછામાં ઓછી) સ્થિતિ કેટલી બંધાય? તે નીચેના સૂત્રોમાં સમજાવે છે.