________________
૨૦૨
અધ્યાય : ૮, સૂત્ર-૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ રોકવાનું કામ કરનાર આ અંતરાય કર્મ છે. દાનાદિ લબ્ધિઓ પાંચ પ્રકારની છે તેથી તેને અંતરાય કરનાર કર્મ પણ પાંચ પ્રકારનું છે.
૧. દાનાંતરાય ઃ સ્વ અને પરના ઉપકાર માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન (સૂત્ર ૭-૩૩). આવા પ્રકારના આત્મગુણનો પ્રતિબંધ કરનાર જે કર્મ તે દાનાંતરાય.
દાનમાં આપવા યોગ્ય પદાર્થ ઘરમાં હોય, કોઈ ગુણવાન પાત્ર ઘેર લેવા આવ્યું હોય, આવા ઉત્તમપાત્રને આપવાથી આત્માને ઘણો લાભ થાય છે તે જીવ જાણતો પણ હોય, ઘરની અન્ય કોઈ વ્યક્તિઓ દાન આપવા માટે વિરોધ કરનારી પણ ન હોય છતાં જે કર્મના ઉદયથી દાન આપવાના પરિણામ ન થાય, આપવાની ઇચ્છા ન થાય તે દાનાન્દરાયકર્મ. (શ્રેણિક રાજાની કપિલાદાસીની જેમ).
૨. લાભાન્તરાય : ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવી તે લાભ. તેનો પ્રતિબંધ કરનારૂં જે કર્મ તે લાભાન્તરાય. વસ્તુ મેળવવાની ઇચ્છાથી કોઈ દાતાને ઘેર જાય, ત્યાં દાતા પણ હોય, દાન આપવા યોગ્ય દ્રવ્ય પણ હોય, માંગણી કરનાર વિનયપૂર્વક વિનંતી કરે છતાં જે કર્મના ઉદયથી યાચકને ન મળે, યાચકનો નંબર આવતા દ્રવ્ય ખાલી થઈ જાય કદાચ મળ્યું હોય તો કોઈ અન્ય લોકો લૂંટી લે તે લાભાન્તરાય કર્મ. જેમકે ઋષભદેવ પ્રભુએ પશુઓને પૂર્વભવમાં અંતરાય કરેલો. લાભાંતરાય કર્મના ઉદયથી ૧૩ મહીના સુધી આહાર ન મળ્યો.
૩. ભોગાન્તરાય ઃ જે વસ્તુઓનો માત્ર એકવાર ઉપયોગ થઈ શકે, તેવી વસ્તુઓના વપરાશને ભોગ કહેવાય છે, જેમ કે રાંધેલુ અનાજ, પુષ્પમાલા વગેરે. તે ભોગમાં પ્રતિબંધ કરનારૂં જે કર્મ તે ભોગાન્તરાય.
ઘરમાં ભોગને યોગ્ય મેવા-મીઠાઈ વગેરે ચીજો પુણ્યોદયથી મળી હોય, છતાં ત્યાગની ભાવના વિના તે વસ્તુઓને પોતે પોતાના માટે ઉપયોગ કરી ન શકે, વસ્તુ વાપરવાનું મન ન થાય તે ભોગાન્તરાય.
૪. ઉપભોગાન્તરાય ઃ જે વસ્તુઓનો વારંવાર ઉપયોગ થઈ શકે તે ઉપભોગ. જેમ કે વસ્ત્ર, પાત્ર વગેરે.
ઘરમાં આવી ઉપભોગ યોગ્ય વસ્તુઓ હોય, ત્યાગના પરિણામ પણ ન હોય છતાં શરીરની એલર્જીના કારણે અથવા કારણ વિના માત્ર આસક્તિથી તેનો ઉપયોગ જીવ ન કરી શકે તે ઉપભોગાન્તરાય કર્મ કહેવાય છે. (મમ્મણ શેઠની જેમ).