________________
૧૯૪
અધ્યાય : ૮, સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ શંકા અગ્નિકાયના જીવો પણ ઉષ્ણ પ્રકાશ તો આપે જ છે. તો શું તેઓને આતપ નામકર્મનો ઉદય છે તેમ ન મનાય ?
સમાધાન: ના. કારણ કે તેઓ પોતે શીતળ નથી. આતપ નામકર્મનો ઉદય એને હોય કે જે સ્વયં પોતે અનુષ્ણ (શીત) હોય અને બીજાને ઉષ્ણ પ્રકાશ આપે. આ વ્યાખ્યા અગ્નિકાયના જીવમાં લાગુ પડતી નથી.
શંકા અગ્નિકાયના જીવોને જો આપ નામકર્મનો ઉદય ન હોય તો તેઓ લાલ (રક્ત) અને ઉષ્ણ (ગરમ) કેમ જણાય છે ?
સમાધાન: રક્તતા અને ઉષ્ણતા એ આતપનામકર્મના ઉદયથી નથી. જે રક્તતા કહેવાય છે તે રક્તવર્ણ નામકર્મના ઉદયથી છે અને જે ઉષ્ણતા જણાય છે તે ઉષ્ણ સ્પર્શ નામકર્મના ઉદયથી છે.
(૪) ઉદ્યોત નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવનું શરીર અનુષ્ણ (શીતળ) હોય અને શીતળ પ્રકાશ આપનારું બને તે ઉદ્યોત નામકર્મ સમજવું. આ કર્મ ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ અને તારાના વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવોને તથા વાવડીઓના પાણીના અપૂકાયના જીવોને તથા કેટલાક વનસ્પતિકાય જીવોને, આગીયા તથા શીતળતા આપનારા કેટલાક વિક્લેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચોને પણ હોય છે. વૈક્રિય તથા આહારક શરીરોની રચના કાળે મનુષ્યોને ઉદ્યોત નામકર્મ પણ હોય છે. દેવોને પણ ઉત્તરક્રિય શરીરની રચના કાળે ઉદ્યોત નામકર્મ હોય છે.
(૫) અગુરુલઘુ નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવને પોતાનું શરીર ભારે પણ ન લાગે અને હલકુ પણ ન લાગે તે અગુરુલઘુ નામકર્મ. હાથી પોતાના વજનદાર શરીરને લઈને ફરે છતાં ભારે ન લાગે અને કીડી પોતાનું શરીર લઈને ચાલે તો પણ હલકુ ન લાગે. મનુષ્યોને પણ આ કર્મનો ઉદય હોય છે. આ કર્મનો ઉદય સર્વ સંસારી જીવોને તેરમા ગુણઠાણા સુધી હોય છે.
(૬) તીર્થકર નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવ, સંસારથી તારનારા ચતુર્વિધ સંઘરૂપી જંગમતીર્થની સ્થાપના કરી શકે, ત્રણે જગતને પૂજનીક બને અને ચોત્રીશ અતિશય રૂપી તીર્થંકરપણાની પદવી પામે તે તીર્થંકરનામકર્મ. આ કર્મનો ઉદય પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં થતા ચોવીસ ચોવીસ તીર્થકર ભગવંતોને તથા મહાવિદેહ ક્ષેત્રમાં હાલમાં (વર્તમાનમાં) વીચરતા વીસ વિહરમાન ભગવંતોને તથા ઉત્કૃષ્ટથી મહાવિદેહમાં