________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૧૦
૧૭૯ અપ્રત્યાખ્યાની ક્રોધ : પૃથ્વીમાં પડેલી રેખા સમાન છે. જેમ પૃથ્વીમાં (માટીમાં) પડેલી ફાટ (ક્રક) કષ્ટથી વિલંબે પૂરાય છે તેમ અપ્રત્યાખ્યાની ક્રોધ થોડા કષ્ટથી અને અધિક કાળ દૂર થાય છે. લગભગ ૧ વર્ષ લાગે છે.
અપ્રત્યાખ્યાની માન : હાડકા સમાન છે. જેમ હાડકુ મહાકષ્ટથી વળે છે તેમ અપ્રત્યાખ્યાની માનવાળો જીવ ઘણું સમજાવવાથી મહાકષ્ટ વળે છે.
અપ્રત્યાખ્યાની માયા: ઘેટાના શિંગડા સમાન છે. જેમ ઘેટાના શિંગડાની વક્રતા મહાકષ્ટથી દૂર થાય છે તેમ માયા ઘણા કષ્ટથી દૂર થાય છે.
અપ્રત્યાખ્યાની લોભ : ગાડાના પૈડાની મળી સમાન છે. ગાડાના પૈડામાં વચ્ચે નંખાતા તેલથી બનેલો ચીકણો કાળો મેલ જેને મળી કહેવાય છે. વસ્ત્રમાં લાગેલા મળીના ડાઘ મહાકણે જાય છે તેમ આ પ્રકારનો લોભ પણ મહાકષ્ટ દૂર થાય છે.
(૩) પ્રત્યાખ્યાનાવરણ : સર્વવિરતિના પચ્ચખાણને જે કષાય આવૃત્ત કરે (ઢાંકી દે) તે પ્રત્યાખ્યાનાવરણ. આ કષાય માત્ર સર્વત્યાગને રોકે છે પણ દેશયાગ (આંશિક ત્યાગ)ને આવૃત્ત કરતો નથી. ચારિત્રને સ્વીકારવાની ઇચ્છા હોવા છતાં આ કષાયના ઉદયથી જીવ ચારિત્ર ગ્રહણ કરી શકતો નથી. અપ્રત્યાખ્યાની કરતાં આ કષાય મંદ છે. પ્રાયઃ મનુષ્યગતિ પ્રાપ્ત કરાવે છે.
પ્રત્યાખ્યાનાવરણ ક્રોધઃ રેતીની રેખા સમાન છે. જેમ રેતીમાં પડેલી રેખા પવનનો યોગ થતા થોડા વિલંબે નાશ પામે છે તેમ આ ક્રોધ પણ થોડા વિલંબે નાશ પામે છે.
પ્રત્યાખ્યાનાવરણ માનઃ કાષ્ઠની સોટી જેવો છે. જેમ કાષ્ઠને વાળવામાં થોડું કષ્ટ પડે છે તેમ પ્રત્યાખ્યાનાવરણ માનના ઉદયવાળો જીવ થોડો પ્રયત્ન કરવાથી નમે છે.
પ્રત્યાખ્યાનાવરણ માયાઃ બળદની મૂત્રધાર સમાન છે. ગાડે જોડેલો બળદ ચાલતા ચાલતા મૂત્રધાર કરે છે અને ગતિના કારણે ધારા વક્રતાવાળી થાય છે. મૂત્રની ધારા તાપ, પવન વગેરેથી થોડા વિલંબે નાશ પામે છે તેમ આ માયા થોડા વિલંબે નાશ પામે
પ્રત્યાખ્યાનાવરણ લોભઃ દીવાની મેષ એટલે કાજળ સમાન છે. જેમ આંખમાં આંજવાના કાજળનો રંગ કપડા ઉપર લાગ્યો હોય તો થોડા કષ્ટથી દૂર થાય છે તેમ આ લોભ પણ થોડા કષ્ટથી જાય છે.